અંપાડ ગામે રસ્તામાં કૂતરું આવી જતા બાઇકચાલક રોડ ઉપર પટકાયો, ટૂંકી સારવાર દરમિયાન મોત

નિલેશ પઢીયાર પાનના ગલ્લેથી પાન-મસાલો ખાઇ ઘરે પરત ફરી રહ્યો હતો

MailVadodara.com - Bike-rider-fell-on-the-road-when-a-dog-came-on-the-road-in-Ampad-village-died-during-short-treatment

- એકના એક દીકરાના અકાળે મોતથી માતા નિરાધાર બની, પિતાનું 12 વર્ષ પહેલાં નિધન થયું હતું

શહેર અને જિલ્લામાં કૂતરાનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેર નજીક અંપાડ ગામ પાસે રસ્તામાં આવી ગયેલા કૂતરાના કારણે બાઇકચાલક રોડ ઉપર પટકાયો હતો. જેમાં ગંભીર ઇજા પહોંચતા યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવારમાં તેનું મોત નીપજ્યું હતું. એકના એક દીકરાના અકાળે મોતથી માતા નિરાધાર બની ગઈ છે.

મળેલી માહિતી પ્રમાણે વડોદરા નજીક આવેલા અંપાડ ગામમાં 30 વર્ષીય નિલેશ ગોવિંદભાઈ પઢીયાર વિધવા માતા સાથે રહેતો હતો. પિતાનું 12 વર્ષ પહેલા નિધન થતા તે માતા સાથે રહેતો અને નોકરી કરી ગુજરાન ચલાવતો હતો. મોડી સાંજે નિલેશ મોટર સાઇક્લ લઇ ગામ નજીક અંપાડ ચોકડી ખાતે આવેલ પાનના ગલ્લે ગયો હતો. પાન-મસાલો ખાઇ ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન અંપાડ ગામના વૃંદાલય ફાર્મ નજીક અચાનક રોડ ઉપર કૂતરું આવી જતા નિલેશે મોટર સાઇક્લના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ ઉપર પટકાયો હતો. જેમાં તેને ગંભીર ઇજા પહોંચી હતી.

આ બનાવ બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ગંભીર ઇજા પામેલ નિલેશને સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાં તેની પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અર્થે એસ. એસ. જી. હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

મળેલી માહિતી મુજબ નિલેશને દોઢ વર્ષ પહેલા એક માર્ગ અકસ્માતમાં પગના ભાગે ગંભીર ઇર્જાઓ પહોંચી હતી અને તેના પગની સર્જરી કરવામાં આવી હતી. જેથી તેઓ છેલ્લા દોઢ વર્ષથી ઘરે જ રહેતો હતો. મોડી સાંજે કુતરાના કારણે સર્જાયેલ અકસ્માતમાં નિલેશનું મોત નીપજતા વિધવા માતાએ પોતાના એકના એક પુત્રને ગુમાવી દીધો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી.

Share :

Leave a Comments