- ભુવાએ પીડિતાના પરિવારને અંધશ્રદ્ધામાં ભોળવી ભોગ બનનારને ખોટા સોગંદ આપી પ્રેમ સંબંધ નહીં રાખે તો નદીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો
વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ આચરનાર માતાજીના ભુવાને કસુરવાર ઠેરવીને આજીવન કેદની સજા અને રૂપિયા 1 લાખનો દંડ ભરવા સાવલીની પોક્સો કોર્ટે હુકમ કર્યો છે. વિવિધ કલમો હેઠળ ગુનેગાર ઠેરવતા સમગ્ર કોર્ટ સંકુલમાં સન્નાટો છવાઇ ગયો હતો. માતાજીના નામે પાખંડ કરતા ભુવાએ સગીરાને માતાજીનો ડર બતાવી દુષ્કર્મ આચરતો હતો.
આ બનાવની વિગત એવી છે કે, સાવલી પોલીસ મથકમાં તા. 23/4/2022ના રોજ સગીરા સાથે દુષ્કર્મના બનાવમાં આરોપી જયંતિ ઉર્ફે ગુગો રાયસીંગ ઠાકોર (રહે. મકરપુરા, વડોદરા) સામે પોક્સો ભારતીય ફોજધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. જેમાં જયંતી ઉર્ફે ગુગાએ પોતે માતાજીના ભુવા તરીકે ઓળખ આપીને ગામ લોકોનો પરિચય કેળવ્યો હતો.
ગામ લોકોની ધાર્મિક લાગણીઓનો દુરુપયોગ કરીને ભોગ બનનાર સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને સગીરાના ઘરે આવતો જતો હતો અને રાત્રી રોકાણ કરતો હતો. તેમજ પીડિતાના પરિવારને ધાર્મિક અંધશ્રદ્ધામાં ભોળવીને ભોગ બનનારને ખોટા સોગંદ આપીને તેની સાથે પ્રેમ સંબંધ નહીં રાખે તો નદીમાં ડૂબી જઈને આત્મહત્યા કરવાની ધમકી આપતો હતો.
સગીરાને યુક્તિપૂર્વક સીવણ ક્લાસમાં જવા ઘરેથી બોલાવી રિક્ષામાં બેસાડીને જુદા જુદા સ્થળોએ લઈ જઈને વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે અંગે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જેનો કેસ સાવલીની પોકસો કોર્ટના જજ જે.એ.ઠક્કરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી.જી.પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપીને તકસીરવાર ઠેરવ્યો હતો. દુષ્કર્મના ગુનામાં આજીવન કેદ એટલે કે કુદરતી નિત્યક્રમ સુધી જીવે ત્યાં સુધીની સખત કેદની સજાનો હુકમ કર્યો છે અને રૂપિયા 1 લાખનો દંડ ફટકાર્યો છે.
આ ઉપરાંત કોર્ટે વિવિધ ઈપીકોના વિવિધ ગુનામાં રૂપિયા 3,000નો દંડ અને 3 વર્ષની સખત કેદની સજા તેમજ 5 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. તે સાથે ગુજરાત કોમ્પનશેશન સ્કીમ મુજબ ભોગ બનનારને રૂપિયા 4 લાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભલામણ કરી છે. તેમજ આરોપી જે દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તે પણ ભોગ બનનારને ચૂકવી દેવા હુકમ કર્યો છે.