- સમારકામ બાદ ટ્રેન રવાના કરાઇ, ઘટનાના પગલે રેલવેના અધિકારીઓ સહિત રેલવે પોલીસનો કાફલો કરજણ રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યો
વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ઉપર ભુજ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના S-4 કોચની બ્રેક ચોંટી જતા આગ લાગી હતી. આગ લાગવાની સાથે ધુમાડો નીકળતા S-4 કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાહટ ફેલાઇ ગયો હતો. જોકે, મોટી દુર્ઘટના સર્જાય તે પહેલાં રેલવેની ટીમ આવી પહોંચી હતી અને આગ બુઝાવી સમારકામ કર્યું હતું. આ ઘટનાને પગલે ટ્રેન 15 મિનિટ રેલવે સ્ટેશન ઉપર રોકી દેવામાં આવી હતી.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના કરજણ રેલવે સ્ટેશન ખાતે ભુજ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી. ટ્રેનના S-4 કોચની બ્રેકમાં આગ શરૂ થઇ હતી. બ્રેક પાસે લાગેલી આગે દેખા દેતા જ સ્ટેશન ઉપર ટ્રેનની રાહ જોઇને ઉભેલા મુસાફરો એકઠા થઇ ગયા હતા. તો S-4 કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોમાં ગભરાહટ ફેલાઇ ગયો હતો. જોકે, સામાન્ય આગ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલાં સ્થળ પર પહોંચેલી ટ્રેનનું યુધ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું હતું અને આગ બુઝાવી દીધી હતી. તે બાદ જરૂરી સમારકામ કરીને ટ્રેનને રવાના કરી હતી.
ટ્રેનના S-4 કોચની નીચેના પૈડાંમાં લાગેલી આગના સમારકામ કરતા 15 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. 15 મિનિટ બાદ ટ્રેનને રવાના કરી હતી. આ ઘટનાના પગલે રેલવેના અધિકારીઓ સહિત રેલવે પોલીસનો કાફલો કરજણ રેલવે સ્ટેશન ખાતે દોડી આવ્યો હતો. કરજણ રેલવે સ્ટેશન ખાતે બનેલી આ ઘટનાને પગલે ચકચાર મચી ગઇ હતી. ભુજ-બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનના S-4 કોચમાં બ્રેકમાં લાગેલી આગ કેવી રીતે લાગી તે અંગે રેલવે વિભાગે તપાસ શરૂ કરી છે.