- 31મી સુધીમાં બાકી રકમ જમા નહીં કરાવાય તો કોર્પોરેશન કોઈપણ જાણ કર્યા સિવાય ફાળવેલું મકાન રદ કરી દેશે તેવી જાહેર નોટિસ આપી
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે આશયથી વિવિધ સરકારી આવાસ યોજના હેઠળ અંદાજે 18,320 લાભાર્થીઓને અલગ અલગ સ્થળોએ આવાસો ફાળવવામાં આવ્યા છે. જાેકે છેલ્લા કેટલાક સમયથી લાભાર્થીઓએ આવાસ લોનની બાકી રકમ ભરપાઇ ન કરતા હોઇ કોર્પોરેશને લાલ આંખ કરી છે, અને બાકી 145 કરોડની વસુલાત માટે નોટિસો પાઠવી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં સુનાવણી કરી હતી. જેમાં લાભાર્થીઓએ 9.50 કરોડની રકમ જમા કરાવી છે. હજી 139 કરોડ બાકી પડે છે, જેને જમા કરાવવા પાલિકાએ આવાસ યોજનાના લાભાર્થીઓને 31 ઓગસ્ટ સુધીની મુદ્દત આપી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બી.એસ.યુ.પીમાં એટલે કે શહેરી ગરીબ લોકો માટેની આવાસ યોજનાના રામપુરા, અકોટા ગદાપુરા, જીવણનગર, મહાદેવ તળાવ પાસે, આજવા પાણી ટાંકી પાછળ, કિશનવાડી, બાપોદ, ભાયલી, દંતેશ્વર, જામ્બુવા, કલાલી, તાંદળજા, તરસાલી, વાસણા, માણેજા, સયાજીપુરા, અટલાદરા, ગોરવા, કપુરાઈ વગેરે મળી 22 સ્થળે મકાનો બનાવેલા છે. જેમાં લાભાર્થીઓને કબજો મેળવતા પહેલા રોકડ ફાળો અને ત્યારબાદ ભરવા પાત્ર લોનની રકમના માસિક હપ્તાના દર મહિને રૂપિયા જમા કરાવવાના હતા. આમ છતાં તેઓએ આ રૂપિયા જમા કરાવ્યા નથી. કોર્પોરેશને બી.એસ.યુ.પી તેમજ રાજીવ આવાસ યોજના હેઠળ ફાળવેલા આવાસમાં રહેતા લોકોને પોતાને ભરવા પાત્ર બાકી રકમ જમા કરાવી દેવા તારીખ 31 ઓગસ્ટની મુદત આપી છે. જો આ તારીખ સુધીમાં બાકી રકમ જમા કરાવવામાં નહીં આવે તો કોર્પોરેશન કોઈપણ જાણ કર્યા સિવાય ફાળવેલું મકાન રદ કરી દેશે તેવી ચીમકી જાહેર નોટિસ દ્વારા આપી છે. આ ઉપરાંત રાજીવ આવાસ યોજનાના કલ્યાણનગર અને તાંદળજા આ બંને યોજનાના લાભાર્થીઓએ પણ બાકી રૂપિયા જમા કરાવ્યા નથી. આવા બાકીદારો સામે કોર્પોરેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની કામગીરી હાથ ધરી છે. જે લોકોના રૂપિયા બાકી રહે છે તેની યાદી કોર્પોરેશનને પ્રસિદ્ધ કરી છે.