- વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ અધિકારીઓ વાત ન સાંભળતા તમામ વિસ્તારના લોકો મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગાંધીનગર રવાના થયા
પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત લાભાર્થીઓને મકાન ફાળવવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાં આ આવાસના મકાનો છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત હાલતમાં હોવાથી સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં કોઈ અધિકારીઓ તેમની વાત ન સાંભળતા આજે તમામ વિસ્તારના લોકો મુખ્યમંત્રીને પોતાની રજૂઆત કરવા માટે ગાંધીનગર રવાના થયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા શહેરમાં આવાસોના લાભાર્થીઓ મોટી સંખ્યામાં ગાંધીનગર જવા રવાના થયા છે. કેટલાક વર્ષોથી જર્જરીત થઈ ગયેલા આવાસોને ફરીથી રીડેવલપ કરવાની અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની રજૂઆત કરવા છતાં અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. સ્થાનિકો રજૂઆત કરવા જતા તેમને ધમકીઓ આપતા આજે મોટી સંખ્યામાં લોકો લકઝરી મારફતે મુખ્યમંત્રીને મળવા ગાંધીનગર જવા રવાના થયા છે. હિંમતનગર, વેમાલી સહિત અનેક વિસ્તારના લોકો પોતોના માંગ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરવા માટે ગાંધીનગર જવા રવાના થયા છે.
આ અંગે લાભાર્થી મહિલા જણાવે છે કે, અમારી માંગ છે કે, કબ્જેદારોને લાભાર્થી બનાવે. લાભાર્થી બનાવ્યા પછી અમને વૈકલ્પિક વ્યવસ્થાઓ પૂરી પાડે. લાભાર્થી બનાવ્યા પછી અમને અમારી જગ્યા પર જ ઘરનું રિડેવલપ કરી આપે. છેલ્લા 9 વર્ષથી રજૂઆત કરવા છતા કોઈ જવાબ આપતા નથી. રાઘવજી પટેલને પણ રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી. સચિવોને પણ રજૂઆત કરી ચૂક્યા છીએ. તેમ છતાં પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
અંતે અમે કલેકટરને મળ્યા કોર્પોરેશનમાં રજૂઆત કરી તો ત્યાંથી અમને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નોટિસો આપવામાં આવે છે કે, અમે લોકો ઘર ખાલી કરી દઈએ અને તે લોકો અમારા ઘરનું ડિમોલેશન કરી નાખે. પણ તે લોકો અમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડીને ફરીથી મકાન રિડેવલપ કરી આપવાનું કંઈ જ વિચારતા નથી.
આ અંગે અન્ય એક સ્થાનિક જણાવે છે કે, માણસ જીવે ત્યાં સુધી હપ્તા, ટેક્સ ભરતો હોય છે. પરંતુ જે કહેવાય છે કે, ડ્રેનેજની વ્યવસ્થા, પીવાનું શુદ્વ પાણી અને વીજળીની સેવા તંત્ર અને વડોદરાને આપવાની હોય છે. ત્યારે જર્જરીત મકાનો હોય તો જર્જરીત મકાનો કેમ થયા તે પણ એક તપાસનો વિષય છે. કોન્ટ્રાક્ટરોને નોટિસ આપવાની જરૂરી છે. જો કે, ગરીબ લાભાર્થીઓને નોટિસ આપી ધમકી આપવામાં આવે છે કે, તાત્કાલિક મકાન ખાલી કરી નાખો. જેથી સ્થાનિકો ગભરાઈ ગયા છે. સ્થાનિક કોર્પોરેટરો, ધારાસભ્યો સહિત સ્થાનિક અધિકારીઓની જવાબદારીઓ હોય છે કે, વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે પરંતુ જ્યારે અમે રજૂઆત કરવા ગયા ત્યારે અમને નોટિસ આપવાનું જણાવે છે. ત્યારે મીડિયાના માધ્યમથી જણાવા માંગુ છું કે,નોટિસ આપવાની જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી અમારી માંગ છે.