- આરોગ્ય વિભાગે જુદી-જુદી ટીમો બનાવી બરફી, ડિલીશીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલવો વગેરેનું વેચાણ કરતી દુકાનો-કોલ્ડ સ્ટોરેજોમાં પણ ઇન્સ્પેકશન કર્યું
આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ તહેવારને લઇ લોકો ખાસ મીઠાઈની ખરીદી કરતા હોય છે. આ મીઠાઈ ભેળસેળયુક્ત હોય અને તે બાબતે કોઈ ચકાસણી ન થાય તો લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય છે. આ કારણોસર તહેવાર પહેલા જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. પાલિકા દ્વારા મીઠાઈના વેપારીઓ અને કોલ્ડ સ્ટોરેજધારકો પાસેથી 17 જેટલા નમૂના લેવામાં આવ્યા છે. જેમાં રૂપિયા 46 લાખની કિંમતનો કુલ 29 હજાર કિલોગ્રામ કરતા વધુ શંકાસ્પદ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફીસરોની ટીમ દ્વારા વડોદરા શહેરનાં છાણી વિસ્તારમાં આવેલા ભૂલચંદ એન્ડ કંપની, કેર ઓફ પ્રકાશ આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજમાંથી બરફીનાં 3 નમૂના લઇ રૂપિયા 27,35,280ની કિંમતનો કુલ 18,864 કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ બાલાજી ડિલીસીયસ સ્વીટ (પ્રોપ્રાઈટરી ફૂડ)નાં 5 નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં રૂપિયા 11,06,640ની કિંમતનો કુલ 7,632 કિલોગ્રામ શંકાસ્પદ બાલાજી ડિલીસીયસ સ્વીટનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો તેમજ સમા વિસ્તારમાં આવેલ જય ભોલે દુગ્ધાલયમાંથી પનીર, મીઠો માવો, ગાયનો માવના 3 નમૂના લઇ 1,53,900ની કિંમતનો કુલ 519.80 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
વડોદરા મહાનગરપાલિકાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે, શહેર વિસ્તારમાં આગામી દિવાળી તહેવારને અનુલક્ષીને જનતાનાં આરોગ્યની સુખાકારી ધ્યાને લઈ અગાઉથી જ મ્યુનિસિપલ કમિશનરની સૂચનાઓ આધારે ખોરાક શાખાનાં ફૂડ સેફટી ઓફીસરો દ્વારા શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાં ટીમો બનાવી બરફી, ડિલીશીયસ સ્વીટ, મીઠા માવા, માવો, હલવો વગેરેનું વેચાણ કરતી દુકાનો તેમજ કોલ્ડ સ્ટોરેજોમાં ઇન્સ્પેકશનની કામગીરી ક૨વામાં આવી હતી.
શહેરનાં જુદા-જુદા વિસ્તારોમાંથી બરફી, ડિલીસીયસ સ્વીટ, મીઠા માવા, હલવો વગેરેના 17 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે નમૂનાઓને પૃથ્થકરણ અર્થે પબ્લીક હેલ્થ લેબોરેટરી, ફતેગંજમાં મોકલી આપવામાં આવ્યા છે તેમજ કુલ રૂપિયા 46,07,824ની કિંમતનો કુલ 29,528 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો. આ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષની સૂચના આધારે 4થી 5 દિવસમાં રિપોર્ટ મળી જાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવેલી છે.
સીઝ કરેલ બરફી તેમજ ડિલીસીયસ સ્વીટનો ઉપયોગ વડોદરા શહેર તેમજ તેની આસપાસનાં વિસ્તારોમાં મીઠાઈ બનાવવામાં થાય છે. ફૂડ બિઝનેસ ઓપરેટરોએ મીઠાઈ બનાવવામાં માવો, બરફી કે ડિલીસીયસ સ્વીટનો ઉપયોગ કરેલ હોય તે દુકાનમાં પ્રદર્શિત કરવાનું રહેશે તેમજ મીઠાઈ તથા ફસાણ બનાવવામાં કયા પ્રકારનું ધી કે તેલ વાપરવામાં આવે છે તેની જાણકારી પણ ગ્રાહકો મળી રહે તે મુજબ બોર્ડ દુકાનમાં પ્રદર્શિત ક૨વાના રહેશે. મીઠાઇઓમાં યુઝ બાય ડેટ પણ લખવાની રહેશે તેમજ ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અનુસાર લાઈસન્સ/રજિસ્ટ્રેશન પણ ગ્રાહકો જોઇ શકે તે રીતે પ્રદર્શિત કરવાના રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગતરોજ ખોરાક શાખાનાં ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા ચોખંડી વિસ્તારમાં આવેલ એમ.એસ. માવાવાળાને ત્યાંથી મીઠા માવાના 6 નમૂના જેની કુલ કિંમત રૂપિયા 3,80,240નો કુલ 1,358 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કર્યો હતો. રાજમહેલ રોડ પર આવેલ ગોપાલ માવાવાળાને ત્યાંથી માવો, ડિલીસીયસ સ્વીટ (ક્રિષ્ના) તેમજ હલવા (ક્રિષ્ના)નાં 3 નમૂના જેની કુલ કિંમત રૂપિયા 2,31,764નો કુલ 1,115.80 કિલોગ્રામ શંકાસ્પદ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.