ઇસ્કોન મંદિર ગોત્રી ખાતે ભગવાન જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો

ગોત્રી ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથની સ્નાન યાત્રાનો સેંકડો ભક્તોએ લહાવો લીધો

MailVadodara.com - Bathing-Yatra-Festival-of-Lord-Jagannath-Baladev-and-Sister-Subhadraji-celebrated-at-ISKCON-Mandir-Gotri


- સ્નાન બાદ આગામી 14 દિવસ ભગવાનના દર્શન બંધ રહેશે, 7 જુલાઇના રોજ અષાઢી બીજે 43મી રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથજી રથમાં બિરાજી ભક્તોને દર્શન આપશે 

- ભગવાનને ફળફળાદી, મીઠાઈ, ફરસાણ સહિતના એક હજારથી વધુ વ્યંજનોનો ભોગ ધરાવાયો


વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં હરીનગર-ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની સ્નાન યાત્રામાં સેંકડો ભક્તજનોએ જોડાઈને ભગવાનને સ્નાન કરાવવાનો અમૂલ્ય લહાવો લીધો હતો. હવે આગામી 14 દિવસ સુધી ભગવાન અજ્ઞાતવાસમાં રહેશે. ત્યારબાદ તા.7મી જુલાઈએ ભગવાન નગરચર્યાએ પ્રસ્થાન કરીને ભક્તજનોને દર્શનનો લાભ આપશે. 


વડોદરા શહેરમાં હરીનગર-ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. “જ્યારે રાજા ઇંદ્રદ્યુમ્ને ભગવાન જગન્નાથ, બલદેવ તથા સુભદ્રાજીની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે આ સ્નાન યાત્રા પ્રારંભ કરી હતી. આ દિવસ ભગવાન જગન્નાથનો જન્મ દિવસ માનવામાં આવે છે. આ તહેવાર જ્યેષ્ઠ મહિનાના પૂર્ણ-ચંદ્ર દિવસે યોજાય છે”. શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા ભવ્ય ઇસ્કોન મંદિરમાં પ્રતિ વર્ષ મુજબ અને આ વર્ષે મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનને નિજ મંદિરમાંથી વાજતે ગાજતે ભજન-કીર્તનની ધૂન સાથે મંદિરના પ્રાંગણમાં વિશેષ બેઠકમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાવ્યા હતા. જેમાં ભગવાનને વૈદિક મંત્રોચ્ચાર સાથે કેસૂડાં, ચંદન જેવા સુગંધિત જળ તેમજ ગંગા, નર્મદા અને મહીસાગર નદીઓના પવિત્ર જળ ભરેલા કુંભથી સ્નાન કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે ભક્તો દ્વારા જગન્નાથજી ભગવાનની પ્રસન્નતા માટે કીર્તન પણ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી પૂજા અર્ચન વિધિ સંપન્ન થતા મહાઆરતી યોજાય હતી અને ભગવાનને ફળફળાદી, મીઠાઈ, ફરસાણ, જ્યુસ સહિતના એક હજારથી વધુ વ્યંજનોનો ભોગ ધરાવાયો હતો. ભગવાનનો પ્રાગટ્ય આજે હોવાથી ભક્તજનો સહીત તો સાધુ-સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. 


ભગવાનને 14 દિવસ માટે ક્વોરેન્ટાઈનમાં રહેશે


કહેવાય છે કે, વધુ પડતું સ્નાન કર્યું હોવાથી ભગવાન જગન્નાથને તાવ આવી જાય છે માટે આવનાર 14 દિવસ માટે તેમને ક્વોરેન્ટાઈન કરી દેવામાં આવે છે અને તેમને વિવિધ અને ઉકાળાઓ ભોગ લગાડવામાં આવે છે. આ ભક્તોનો ભાવ છે ભગવાન પ્રત્યેના પ્રેમ નો. ત્યારબાદ અષાઢી બીજના દિવસે ભગવાન સ્વસ્થ થઇ ભક્તોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઇ નગરમાં ફરે છે.


બીજી બાજુ ઇસ્કોન મંદિરનો આ વર્ષે રજત જયંતિ મહોત્સવ હોવાથી આગામી જન્માષ્ટમી સુધી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે. પ્રભુના શાહી સ્નાન બાદ ભગવાન આગામી 14 દિવસ ક્વોરેન્ટાઇન રહેશે. આ દિવસોમાં પૂજારી દ્વારા ભગવાનને શૃંગાર કરી પૂજા કરવા ઉપરાંત વિવિધ ઔષધીઓ દ્વારા પ્રભુની સેવા-શ્રુષુશા કરશે. આગામી તા.7મીએ રથયાત્રાના શુભ દિને બપોરે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું આન-બાન-શાનથી વડોદરા રેલ્વે સ્ટેશન નજીકથી નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ પ્રસ્થાન કરશે. આ પ્રસંગે શહેરીજનો પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી ધન્યતા અનુભવશે.

Share :

Leave a Comments