વડોદરામાં ઉનડદીપ કોમ્પ્લેક્સના એ-ટાવરની બાલ્કની મોડી રાત્રે ધરાશાયી, રહીશો-વેપારીઓમાં ભયનો માહોલ

ટાવરમાં ઠેર-ઠેર તિરાડો, સ્લેબના પોપડા પડી ગયા, સ્થાનિકોની રિ-ડેવલપમેન્ટની માંગ

MailVadodara.com - Balcony-of-A-Tower-of-Unaddeep-Complex-in-Vadodara-collapses-late-night-panic-among-residents-and-traders

- સ્થાનિક મહિલાએ કહ્યું, રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જોરથી ધડાકાભેર અવાજ સંભળાયો હતો, બાલ્કની પડ્યા બાદ અમને આખી રાત ઊંઘ આવી નથી

- લોકોએ કહ્યું- અહીં પહેલાં માળે ટ્યુશન ક્લાસ ચાલે છે, દિવસે દુર્ઘટના બની હોત તો બોટકાંડની જેમ વિદ્યાર્થીઓ ઉપરથી પડી પડીને મરી ગયા હોત


વડોદરા શહેરના સુશેન-તરસાલી રિંગ રોડ પર ઉનડદીપ કોમ્પ્લેક્સના એ-ટાવરમાં ચાર દુકાનોની ઉપરની બાલ્કની રાત્રે દોઢ વાગ્યે ધરાશાયી થઈ ગઈ હતી. જેને પગલે કોમ્પ્લેક્સના રહીશો અને વેપારીઓમાં ભયનો માહોલ છે. આખુ કોમ્પ્લેક્સ જર્જરીત હાલતમાં છે. ઠેર-ઠેર તિરાડો પડી ગઇ છે અને સ્લેબના પોપડા પડી ગયા છે. જેથી સ્થાનિકો રિ-ડેવલપમેન્ટની માગ કરી રહ્યા છે.

બનાવ અંગેની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, શહેરના તરસાલી સુસેન રીંગ રોડ પર આવેલું 20 વર્ષ જૂનું ઉનડદીપ કોમ્પલેક્ષમાં મોટી સંખ્યામાં લોકો રહે છે અને  ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનો પણ આવેલી છે. જે દુકાનોમાં દિવસ દરમિયાન ભારે ભીડ જોવા મળતી હોય છે. તેવા ઉનડદીપ કોમ્પલેક્ષના એ-ટાવરમાં ફ્લેટ ધરાવતો લોકો ઘોર નિંદ્રામાં હતા.


તેવામાં કોમ્પલેક્ષના એ-ટાવરની બાલ્કનીનો એક ભાગ અચાનક ધડાકાભેર તૂટી પડ્યો હતો. બોમ્બ ધડાકા જેવો અવાજ આવતા કોમ્પલેક્ષમાં રહેતા લોકો અને આસપાસની સોસાયટીમાં રહેતા રહીશો અચાનક ઘરની બહાર દોડી આવ્યાં હતા. રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનાને પગલે કોમ્પલેક્ષમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જ્યારે બીજી તરફ બિલ્ડર દ્વારા કરવામાં આવેલા કામગીરી અને તેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા સમગ્ર સામે પણ સવાલો ઉભા થઇ રહ્યાં છે.


સ્થાનિક મહિલા રાજશ્રી દળવીએ જણાવ્યું હતું કે, રાત્રે દોઢ વાગ્યાની આસપાસ જોરથી ધડાકાભેર અવાજ સંભળાયો હતો. જેથી મેં નીચે જોયુ તો બધુ ધડઘડ નીચેના ફ્લોરનું જોરથી પડી રહ્યું હતું. અહીં અમારા બાળકો રોજ રમતા હોય છે. લોકોની અવરજવર હોય છે. આ બિલ્ડિંગ જો પડે તો જાનહાનિ થઇ જાય. બાલ્કની પડ્યા બાદ અમને આખી રાત ઊંઘ આવી નથી. આ બિલ્ડિંગ નવી બનાવવામાં આવે તો સારું છે. બાકી અમને તો અહીં ઉપર ફ્લેટમાં રહેવાનો ડર લાગે છે. અમે રજૂઆતો કરી છે, પરંતુ કોઇ ઉકેલ આવ્યો નથી. અમને તો લાગે છે કે, ક્યારેક અમે ઊંઘમાં ને ઊંઘમાં જ મરી જઇશું. મારા પતિ નિવૃત થઇ ગયા છે, જેથી અમારી પરિસ્થિતિ એવી નથી કે, અમે બીજુ ઘર લઇ શકીએ.


વેપારી અનિલભાઈએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલા પણ આ બિલ્ડિંગમાં મારી દુકાનની આગળનો ભાગ તૂટી પડ્યો હતો. જેમાં મારા સ્ટાફનો બચાવ થયો હતો. ગઈકાલે રાત્રે પણ બાલ્કનીનો ભાગ તૂટીને નીચે પડ્યો અને હજી પણ બિલ્ડિંગ જર્જરીત છે એટલે મોટી દુર્ઘટના થવાની શક્યતા છે. કોર્પોરેશન તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અમારી માંગણી છે કે, આ બિલ્ડિંગને તોડીને નવુ બનાવી આપવામાં આવે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અહીં પહેલા માળે ટ્યુશન ક્લાસ ચાલે છે અને 50થી 100 વિદ્યાર્થીઓ ટ્યુશન ક્લાસમાં આવે છે. વિદ્યાર્થીઓની અવરજવર હોય છે, તેમના જીવ જોખમમાં છે. આ દુર્ઘટના દિવસે બની હોત તો હરણી લેકઝોન બોટકાંડની જેમ વિદ્યાર્થીઓ ઉપરથી પડી પડીને મરી ગયા હોત.

આ બનાવના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન વિભાગે ઉનડદીપ એપાર્ટમેન્ટને નોટિસ આપી સ્ટ્રકચરલ સ્ટેબિલિટીનો રિપોર્ટ રજૂ કરી જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી છે.

Share :

Leave a Comments