- સ્પાના સંચાલકેે કેસની પટાવટ કરવા તેમજ મીડિયામાં નામ ન આવે તે માટે મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે રૂા.80 હજારની લાંચ માગી હતી
શહેરના દંતેશ્વર વિસ્તારમાંથી બિભત્સ ચેનચાળાના કેસમાં પકડાયેલા આરોપી પાસેથી 80 હજારની લાંચ લેવાના કેસમાં ઝડપાયેલા કોન્સ્ટેબલ અને તેના સાગરિતની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં એક મહિલા સહિત ચાર વ્યક્તિઓને અશ્લીલ ચેનચાળા કરવાના કેસમાં પકડવામાં આવ્યા હતા. મકરપુરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ નંદકિશોર સોનવણે (રહે. વિષ્ણુ નગર, પ્રતાપનગર, દંતેશ્વર)એ સ્પાના સંચાલકને કેસની પટાવટ કરવા તેમજ મીડિયામાં તેઓના નામ ન આવે તે માટે 80 હજાર રૂપિયાની લાંચ માગી હતી. જે અંગે એન્ટી કરપ્શન બ્યુરોને જાણ કરવામાં આવતા એન્ટીકરપ્શન બ્યુરોએ છટકું ગોઠવીને સંજય લક્ષ્મણ ભરવાડ (રહેવાસી ભરવાડ વાસ દંતેશ્વર) તેમજ પ્રિન્સ રાજકુમાર શર્મા (રહે. સોમનાથ નગર, ડભોઇ રોડ)ને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ આ કેસમાં હેડ કોન્સ્ટેબલ કલ્પેશ સોનવણેની પણ ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં જેલવાસ ભોગવતા કોન્સ્ટેબલ કલ્પેશ સોનવણે તથા તેના સાગરીત પ્રિન્સ દ્વારા જામીન પર છૂટવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે અરજી અદાલતે નામંજૂર કરી છે.