- સિનિયર સિટીઝનોને બેસવા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે નંબર પણ જાહેર કરાયો, અત્યાર સુધીમાં 20 હજારથી વધુ રજીસ્ટ્રેશ કરાયાં
વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે આવતીકાલે તા. 3 જૂનના રોજ બાઘેશ્વરધામ પીઠાધિશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમને આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને શહેરના નવલખી મેદાન ખાતે તળામાર તૈયારીઓ ચાલી રહી છે. હવે દિવ્ય દરબારના કાર્યક્રમને માત્ર ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે બેઠક વ્યવસ્થા, સ્ટેજ, લાઇટિંગ સહિતની વ્યવસ્થા પૂર્ણતાને આરે છે, જે અંગે આજે આયોજકો દ્ધારા પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપી હતી.
ધીનેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમના આયોજક કમલેશ પરમારે જાણવ્યું હતું કે, દિવ્ય દરબારના કાર્યક્રમમાં ખાસ કરીને સિનિયર સિટીઝનને બેસવા માટે કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે અગાઉથી જ રજીસ્ટ્રેશન કરવા માટે એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો જે નંબર પર અત્યાર સુધી 20 હજારથી વધુ સિનિયર સિટીઝનો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે, જે તમામ સિનિયર સિટીઝનો માટેની બેઠક વ્યવસ્થામાં ખુરશીની વ્યવસ્થા કરવામાં આવી છે અને હાલ આ રજીસ્ટ્રેશન બંધ કરવામાં આવ્યું છે, સાથે હજારોની સંખ્યામાં આવનાર જનમેદની નીચે બેસીને દિવ્ય દરબાર કાર્યક્રમમાં જોડાશે અને આ દિવ્ય દરબારમાં રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવી સાથે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી શકે તેવી સંભાવના છે. દિવ્ય દરબારના કાર્યક્રમ માટે વિશાળ નવલખી મેદાન ખાતે મુખ્ય સ્ટેજ સાથે અન્ય 4 સ્ટેજ, વિશાળ 20 જેટલી એલઇડી સ્ક્રીન, લાઈટિંગ વ્યવસ્થા, મેડિકલ સુવિધાઓ, પાણીની અને પાર્કિંગ સહિતની વિવિધ કામગીરીને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આવતી કાલે નવલખી ખાતે યોજાવનાર પંડિત ધીનેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના કાર્યક્રમને મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડવાની હોવાથી પોલીસ તંત્ર પણ સજ્જ થઇ ગયું છે અને લોકોની ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસનો લોખંડી બંદોબસ્ત જોવા મળશે.
આ અંગે રાવપુરા પોલીસ મથકના પીઆઇ આર.બી.ચૌહાણે માહિતી આપતા જણાવ્યું હતું કે દિવ્ય દરબારના કાર્યક્રમમાં ઉચ્ચકક્ષાના પોલીસ અધિકારીઓમાં ડી.સી.પી, એ.સી.પી, પી.આઈ, પી.એસ.આઈ સહિત 500 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે સાથે 200 થી વધુ હોમગાર્ડ પણ ફરજ બજાવશે.