- કુબેર ભંડારી તથા ત્રિવેણી સંગમ પર નદીમાંથી કચરો કાઢવા નગરપાલિકાના 7 કર્મીઓ જોડાયા અને મનરેગાના 25 કર્મીઓ કિનારાના કચરાને દૂર કરવા જોડાયા
રાજયના પવિત્ર યાત્રાધામોમાં સ્વચ્છતા જળવાઇ રહે તેમજ યાત્રીઓ યાત્રાધામનો સુખદ અનુભવ માણી શકે તે હેતુથી અખાત્રીજના પાવન દિવસે રાજયવ્યાપી યાત્રાધામ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના યાત્રાધામ કુબેર ભંડારી ખાતે મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ સહિત ભાજપા અગ્રણીઓએ ઝાડૂ લગાવી સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી.
સમગ્ર રાજયમાં યાત્રાધામો તથા પ્રવાસન સ્થળો સ્વચ્છ અને સુદ્રઢ બને તે માટે રાજ્ય વ્યાપી યાત્રાધામ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ડભોઇ તાલુકાના કુબેર ભંડારી ખાતે જિલ્લા કક્ષાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે વહીવટી તંત્ર તથા કલેકટર અતુલ ગોરે યાત્રાધામોની સ્વચ્છતા તથા પવિત્રતા જળવાય રહે તે માટે સુસજ્જતા દર્શાવી છે.
યાત્રાધામ સફાઈ અભિયાન અંતર્ગત નર્મદા કિનારે આવેલા કુબેર ભંડારી, ત્રિવેણી સંગમ તથા નર્મદાના તટે આવેલા યાત્રાધામોની મુલાકાત લઈ માનવીય પ્રવૃત્તિઓના કારણે થતા કચરા અને ગંદકી કેવી રીતે રોકી શકાય તે અંગે સ્થાનિક વહીવટી અઘિકારીઓને જિલ્લા કલેકટર અતુલ ગોરે જરૂરી સૂચનો કર્યા હતા.
કુબેર ભંડારી તથા ત્રિવેણી સંગમ પર સફાઈ અભિયાનમાં નગરપાલિકાના 7 સફાઈ કર્મચારીઓ નદીના પાણીમાંથી કચરો કાઢવા માટે જોડાયા હતા. જ્યારે મનરેગાના 25 સફાઈ કર્મચારીઓ કિનારા પર રહેલા કચરાને દૂર કરવામાં જોડાયા હતા. જરૂર પડે સફાઈ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરી આ કાર્યને એક ઝુંબેશની રીતે હાથ ધરવામાં આવે તેમ કલેકટરે સ્થાનિક વહીવટી તંત્રને જણાવ્યું હતું.
મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લે જણાવ્યું કે, આપણા યાત્રાધામોની સ્વચ્છતા જાળવવી એ દરેક વ્યક્તિની ફરજ છે. જે રીતે વડાપ્રધાનના આહવાનથી સ્વચ્છ ભારત અભિયાન પાર પાડ્યું તેવી જ રીતે યાત્રાધામ સ્વચ્છતા અભિયાનમાં દરેક વ્યક્તિ પોતાનું યોગદાન આપે તે ખૂબ જ જરૂરી છે. ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે આ અભિયાનને જનભાગીદારીનું ગણાવી તમામ વ્યક્તિઓ આ અભિયાનમાં જોડાય અને દરેક યાત્રાધામોને સ્વચ્છ અને સુદૃઢ બનાવવામાં પોતાનું યોગદાન આપે તે ખુબજ જરૂરી છે.
મા નર્મદા તથા શ્રી કુબેરેશ્વર મહાદેવના દર્શન કરી કુબેરેશ્વર મંદિરના પ્રાંગણમાં તથા જાહેરમાર્ગ ઉપર મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવા, જિલ્લા પંચાયત પ્રમુખ અશોક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ સતીષ પટેલ, જિલ્લા કલેકટર અતુલ ગોર, જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરા સહિત તમામ મહાનુભાવો સફાઈ કામદારો સાથે સફાઈ અભિયાનમાં જોડાયા હતા.