દેશમાં મોંઘવારી અને બેરોજગારી ફુલીફાલી છે અને ભારત જોડો યાત્રા રાહુલ ગાંધીની સફળતાથી ગભરાયેલી ભાજપ સરકારે રાહુલ ગાંધીનું બદનક્ષીના મામલે થયેલા કેસમાં કેન્દ્ર સરકારના ઈશારે અદાલતમાં ઝડપી ચલાવાયેલા કેસમાં થયેલી બે વર્ષની સજા બાદ તેમનું સાંસદ પદ તત્કાળ અમલથી રદ કરાયું હોવાનો આક્ષેપ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. જેની પાછળ ભાજપ સરકારનો ઇરાદો અદાણી પ્રશ્ને રાહુલે જેપીસીની રચના અંગે ઉઠાવેલ મુદ્દો મુખ્ય હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાહુલ ગાંધીની સંસદમાંથી સદસ્યતા રદ કરવામાં આવતા દેશભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા થઈ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે આજરોજ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાને અત્રે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, હાલ દેશમાં જે રીતે શાસન ચાલી રહ્યું છે તે પ્રમાણે લોકશાહી પર ખતરો છે અને ચિંતાનો વિષય બન્યો છે.
મોંઘવારી, બેરોજગારી, અન્યાય, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દે લડત ચલાવતા અને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે પોતાની ફરજ અદા કરતા રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કરી, કનડગત કરી જે રીતે દોષારોપણ કરવામાં આવે છે, તેમાં રાહુલનો શું વાંક અને તેમણે શું ખોટું કર્યું તે સવાલ કરતા કહ્યું હતું કે, દેશમાં બદનક્ષીના બીજા અસંખ્ય કેસ છે, તેની સરખામણીમાં રાહુલ ગાંધીના કિસ્સામાં જલ્દી સુનાવણી, બે વર્ષની સજા, 24 કલાકમાં જ સાંસદનું પદ રદ કરવા સહિતની ઝડપી પ્રક્રિયા કરવામાં આવી તેની પાછળનું કારણ શું? આજે અંગ્રેજો કરતાં પણ દેશ ખરાબ રીતે ચાલે છે અને લોકો પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
રાહુલ ગાંધી વ્યક્તિગત નહીં પણ લોકોના બંધારણના હક માટે, લોકોના આર્થિક હક માટે અને લોકશાહી ખાતર લડત ચલાવે છે, ત્યારે તેમની સામે જે કાર્યવાહી કરાઈ છે તે લીગલ નહીં પણ રાજકીય છે એવો આક્ષેપ કર્યો હતો અને ઉમેર્યું હતું કે કોંગ્રેસના શાસનથી જ દેશમાં આજે લોકશાહી બરકરાર રહી છે. સરકાર જે રીતે શાસન ચલાવી રહી છે તે સામે લોકોમાં જે જન આક્રોશ છે તેનું પ્રથમ પરિણામ કર્ણાટકની ચૂંટણીમાં જોવા મળશે એમ તેમણે કહ્યું હતું. પ્રજાનું માઈન્ડ ડાયવર્ટ કરવાની આ વાત છે, અને 2024 ની લોકસભાની ચૂંટણી પૂર્વે પાર્લામેન્ટ્રી અને કેબિનેટ સિસ્ટમને બદલે બીજા પ્રકારની સત્તા લાવવાની દિશામાં કામ ચાલતું હોય તેવી આશંકા વ્યક્ત કરીને તેમણે સવાલ ઉઠાવ્યો હતો કે આ પ્રકારના કૃત્ય લોકશાહી માટે વાજબી છે કે કેમ તે હવે લોકોએ વિચારવું પડશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ક્ન્યાકુમારીથી કાશ્મીર સુધીની પદયાત્રાને ભારે સફળતા મળી હતી. ભારત જોડો યાત્રામાં લોકોએ વિવિધ પ્રશ્નો અંગે પણ રાહુલ ગાંધીનું ધ્યાન દોર્યું હતું. બેરોજગારી અને મોંઘવારી અંગે ભારત જોડો યાત્રામાં રાહુલનું ઠેર ઠેર સ્વાગત થયું હતું. જેથી કેન્દ્રની ભાજપ સરકાર ગભરાઈ ગઈ હતી. આ ઉપરાંત અદાણી અંગે થયેલા ભારે હોબાળા બાબતે રાહુલ ગાંધીએ જેપીસીની રચના અંગે લોકસભામાં માગણી કરી હતી. જેથી ભાજપની કેન્દ્ર સરકારના કથિત ઇશારે બદનક્ષીનો કેસ તત્કાળ ધોરણે ચલાવાયો હતો. રાહુલની કાયમી કનડગત દૂર કરવાના ઇરાદે અદાલતના ચુકાદામાં રાહુલને બે વર્ષની સજા થતાં તેમનું લોકસભાનું સાંસદ પદ તત્કાળ ધોરણે રદ કરવામાં આવ્યું હોવાનું ભૂતપૂર્વક કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું. જોકે રાહુલને પીએમ બનવાનો કે પછી કેન્દ્રીય મંત્રી બનવાનો બિલકુલ અભરખો નહીં હોવાનું જણાવીને તેમણે કોંગ્રેસની તત્કાળ મનમોહન સિંઘની સરકાર વખતે થયેલી ઓફરો પણ રાહુલ ગાંધીએ સ્વીકારી નહિ હોવાનું પણ પૂર્વ કેન્દ્રીય મંત્રીએ અંતમાં જણાવ્યું હતું. પૂર્વ કેન્દ્રિય મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે, કેન્દ્રની ભાજપ સરકાર છાશવારે રાહુલ ગાંધીનું અપમાન કરે છે અને પપ્પુ તરીકે પણ વારંવાર નવાજતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી, મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા અમી રાવત, સિનિયર કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થું, નરેન્દ્ર રાવત, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાગર બ્રહ્મભટ્ટ, સત્યજીત ગાયકવાડ સહિત અનેક કોંગી કાર્યકરો સહીત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.