- હરીનગર, અટલ સહિતના બ્રીજ નીચે લગાવેલા ટ્રાફિક સીગ્નલોના કારણે ટ્રાફિકનું ભારણ વધવા સાથે લોકોના કિંમતી સમય અને ઇંધણનો વેડફાટ થઇ રહ્યો હોવાનું ધ્યાને આવતા રજૂઆત
વડોદરા શહેરના હરીનગર, અટલ, સહિતના બ્રીજ નીચે લગાવવામાં આવેલ ટ્રાફિક સીગ્નલોનો કારણે ટ્રાફિકનું ભારણ વધવા સાથે લોકોના કિંમતી સમય અને ઇંધણનો વેડફાટ થઇ રહ્યો હોવાનું ધ્યાને આવતા સત્તાપક્ષના કાઉન્સિલરે ટ્રાફિક સિગ્નલોનો અભ્યાસ કરી જરૂરી ન જણાય ત્યાં ના ટ્રાફિક સિગ્નલોને દુર કરવા પોલીસ કમિશનરને રજૂઆત કરી છે.
વડોદરા મ્યુનિસિપલ કાઉન્સિલર અને પાલિકાની વિધુત સમિત્તિ અને ટાઉન પ્લાનીંગ સમિતિ સભ્ય નિતીનકુમાર દોંગાએ વડોદરા શહેર પોલીસ કમિશ્નરને રજૂઆત કરી છે કે, સ્થાનિક રહીશો તરફથી ધ્યાને આવ્યું છે કે, હરીનગર બ્રીજ નીચે ટુંક સમય પહેલા ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવેલ છે. જેના કારણે ટ્રાફિકની સમસ્યામાં વધારો થયેલ છે. અગાઉ અહીં ટ્રાફિક સિગ્નલ ન હતા ત્યારે ટ્રાફિકની સમસ્યા અનુભવાઈ નથી, પરંતુ આ ટ્રાફિક સિગ્નલો લગાવતા ટ્રાફિકની સમસ્યા વધારે વિકટ થયેલ છે. તેમજ અટલ બ્રીજની નીચે હમણાં જ ટ્રાફિક સિગ્નલ મુકવામાં આવેલ છે જે ન હતા ત્યારે આ સ્થળ પર પણ કયારેય ટ્રાફિકની સમસ્યા સર્જાતી ન હતી. પરંતુ આ સિગ્નલ ચાલુ કરવાથી શહેરના રહીશોને બીન જરૂરી સિગ્નલ પર ઉભુ રહેવું પડે છે જેના કારણે પોતાનો સમય અને પેટ્રોલ ડીઝલનો બીન જરૂરી વ્યય થઈ રહેલ છે. જેથી આ ટ્રાફિક સિગ્નલો તેમજ શહેરમાં બીજા આવા કોઈપણ બીન જરૂરી ટ્રાફિક સિગ્નલો આવેલા હોય તો તેને તુરંત દુર કરવા જોઈએ.
અહીં કાઉન્સિલરે પોતાનો અનુભવ શેર કર્યો હતો કે, વડોદરા શહેરનું કોર્પોરેશનનું બજેટ મંજુર કરવા માટે પહેલા સ્ટેન્ડીંગ કમિટીમાં અને ત્યારબાદ સામાન્ય સભામાં સવાર બપોર બે ટાઈમ વારંવાર આવવા જવાનું થયેલ જ્યાં મારા ઘરેથી કોર્પોરેશન કચેરી જતા રસ્તામાં અકોટા દાંડીયાબજાર બ્રીજ રસ્તામાં આવે છે. જ્યાં છેલ્લા એક મહિના જેટલા સમયથી ટ્રાફિક સિગ્નલ બંધ છે. જ્યાંથી પસાર થતા એક પણ વખત મારે ટ્રાફિકમાં ફસાવવાનું થયેલ નથી જેથી આ સાબિત થાય છે કે ટ્રાફિક સિગ્નલ હતુ ત્યારે શહેરીજનોને જે સ્થળે ઉભું રહેવું પડતું ત્યાં હવે ઉભું રહેવું પડતુ નથી જેથી પોતાનો સમય અને પેટ્રોલ ડીઝલ પણ બચે છે. જેથી વિનંતી છે કે આવા ટ્રાફિક સિગ્નલોનો અભ્યાસ કરી જરૂરી ન જણાય ત્યાં ના ટ્રાફિક સિગ્નલોને દુર કરવા જોઈએ.