વડોદરામાં વિવિધ સ્થળોએ શિતળા માતાની પૂજા અર્થે મહિલાઓ ઊમટી, બાળકોના સ્વાથ્ય માટે પ્રાર્થના કરી

શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે

MailVadodara.com - At-various-places-in-Vadodara-women-thronged-to-worship-Shitla-Mataji-praying-for-the-health-of-children


આજે પવિત્ર શ્રાવણ માસની વદ સાતમ એટલે મોટી શીતળા સાતમ છે. આપણા હિન્દુ ધર્મમાં બે સાતમ લોકો કરતા હોય છે જેમાં શ્રાવણ સુદની સાતમ જેને નાની સાતમ તરીકે ઓળખાય છે અને ત્યારબાદ જન્માષ્ટમીના એક દિવસ અગાઉની શ્રાવણ વદ સાતમ જેને મોટી શીતળા સાતમ તરીકે મનાવવામાં આવે છે. આમ તો પવિત્ર શ્રાવણ માસમાં આવતા વિવિધ વ્રતો અને તહેવારો આવતા હોય છે ત્યારે આજરોજ શ્રાવણ વદ સાતમ ને બુધવાર, મોટી શીતળા સાતમ જે લોક બોલીમાં "ટાઢીશીરી" તરીકે જાણીતો તહેવાર શ્રદ્ધાપૂર્વક ઉજવાઈ રહ્યો છે.


પવિત્ર શ્રાવણ માસ એટલેે તહેવારોની હારમાળા. દર સોમવાર ઉપરાંત સાતમ આઠમ અને રક્ષાબંધનના પર્વનું તો મહત્વ કંઇ અનેરું જ હોય છે. છઠ્ઠથી સાતમ-આઠમના તહેવારોની શ્રૃંખલા શરૂ થાય છે, જેનો પ્રારંભ છઠ્ઠના દિવસથી થાય છે. રાંધણ છઠ્ઠના દિવસે રાંધી લીધા પછી બહેનો ચુલા, સગડી કે ગેસના ચૂલા જેવા રસોઇ બનાવવાના સાધનોની પૂજા કરે છે અને બીજે દિવસે એટલે શીતળા સાતમને દિવસે પ્રાતકાળમાં ઊઠી ઠંડા પાણીએ સ્નાન કરે છે. ત્યારબાદ બ્રાહ્મણો દ્વારા માટીમાંથી બનાવેલી શીતળા માતાની મૂર્તિને રૂ ની કંકુયુક્ત પૂણીથી બનાવેલ નાગલા ચઢાવે છે. આ ઉપરાંત દૂધ, પાણી, અબીલ ગુલાલ, કંકુ, ચોખા, વેલા, વનસ્પતિ સહિતની સામગ્રી સાથે છઠ્ઠના દિવસે બનાવેલ વાનગીઓ અર્પણ કરી અને શ્રીફળ વધેરી શ્રદ્ધાપૂર્વક પૂજન કરતા હોય છે. 


શ્રાવણ વદ સાતમના દિવસે સ્ત્રીઓ શીતળા માતા પાસે પોતાની સંતતિની રક્ષા માટે પ્રાર્થના કરે છે. પ્રાતકાળે ઊઠી નાહી-ધોઈ પવિત્ર થઈ, શીતળા માતાજીની પૂજા કરી ઠંડું ખાય છે. શીતળા માતાએ સાવરણી અને સૂપડું જેવાં સાધનો પોતાની પાસે રાખ્યા છે. ધાર્મિક માન્યતા અનુસાર શીતળા માતાની પૂજા કરવાથી સમગ્ર પરિવારનું આરોગ્ય, સ્વાસ્થ્ય સારું રહે છે, જળવાઈ રહે છે. આમ તો શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે. જે વ્રતધારી સાધન-પૂજા અને કર્મ-પૂજાનું મહત્વ સાચા અર્થમાં સમજી જે પૂજાવિધિ કરે છે તેમના ઉપર આદ્યશક્તિ શીતળા માતા અતિ પ્રસન્ન થાય છે.


Share :

Leave a Comments