ચાર-પાંચ મુઠ્ઠી ભર નેતાઓના ઇશારે કથ્થક કરતી દબાણ શાખાને ગરીબના પાણીના કારબા નડ્યા..

શાસકો શરમ કરો.. શરમ કરો..!

MailVadodara.com - At-the-behest-of-four-five-handful-of-leaders-the-Kathagata-pressure-branch-stopped-the-water-supply-of-the-poor

- આખા શહેરમાં પાંચ હજાર કરતાં વધુ પાક્કા દબાણો સામે ધૃતરાષ્ટ્ર બનેલા શાસકો માલેતુજારો સામે નૃત્ય કરે છે..!!

- મુખ્યમંત્રીની ટકોર બાદ પણ જાડી ચામડીના શાસકો અને અધિકારીઓ સુધરવા તૈયાર નથી..!!


વડોદરા શહેરના વિકાસમાં ગરીબોનો સિંહ ફાળો છે. તમે માનો કે ના માનો પણ પાલિકાના અધિકારીઓની આવડત એવી ગજબની છે કે એક ગરીબ પેટિયું રળવા કોઈ ખૂણે ખાચરે બેઠો હોય તો દબાણ શાખાના અધિકારીઓની નજરમાં તુરંત આવી જાય છે. જી, હા આજે અમે તમને પાલિકાની દબાણ શાખાની ઉત્કૃષ્ટ કામગીરી બતાવીશું... આ કામગીરી એવી છે કે સડકો પર રહેતા  ગરીબ પરિવારને દબાણ શાખાએ કાયદાનું ભાન કરાવી બહાદુરીનું એવું કામ કર્યું કે અધિકારીઓને એવોર્ડ આપવાનું મન થઇ જાય...

- મંગેશ જયસ્વાલ એન્ડ કંપની પાસે દબાણો અંગે કોઈ પોલિસી નથી..!


પાલિકાની દબાણ શાખાના જાંબાઝ અને માત્ર ગરીબોને કાયદાનું ભાન કરાવતા અધિકારી ડો.મંગેશ જયસ્વાલના આદેશ અને સૂચનાના આધારે કર્મચારીઓનું ધાડું અકોટા દાંડિયાબજાર રોડ પર ધસી આવ્યું અને શું કર્યું એ જોઈએ.. અહી સીક્સ લેન પહોળા અને ટ્રાફિકનું સૌથી ઓછું ભારણ ધરાવતા રોડની બાજુમાં જોગિંગ ટ્રેક પર માત્ર પાંચ છ ફુગ્ગા વેચવા વાળા ગરીબ પરિવાર કરેલું દબાણ હટાવ્યું.. અધિકારીઓને આ દબાણ કદાચ ટ્રાફિકને અડચણરૂપ લાગ્યું હશે. ખેર પાંચ-છ ફુગ્ગા કબ્જે કર્યા બાદ દબાણની ટીમ ને લાગ્યું કે આ લોકો પાણી પીશે તો અહી અડિંગો જમાવશે, એટલે આ ગરીબોના પાણીના પ્લાસ્ટીકના જાર પણ કબ્જે કર્યા.. બોલો ના રહે પાણીના જાર અને ના રહે ગરીબો.. દબાણની ટીમ માટે ગરીબ પરિવારના ચૂલા કપડાં પણ દબાણની શ્રેણી માં આવે છે એ કદાચ તમને અને અમને ખબર નહિ હોય, કાંઈ વાંધો નહિ આજે એ અમને અને તમને  જાણવા મળ્યું કે અધિકારીઓ માટે શહેરમાં પાંચ હજાર કરતાં વધુ પાક્કા દબાણો, વિશ્વામિત્રીમાં પુર લાવનાર દબાણો દબાણ નથી, પરંતુ કોઈ રોડના ખૂણે પેટિયું રળતા ગરીબોના પાંચ-છ ફુગ્ગા, ચૂલો, તેમના પાણીના જાર દબાણ કહેવાય.. શાબાશ અધિકારીઓ આપની દીર્ઘ દૃષ્ટિને.. 


   દશ જેટલા કર્મચારીઓ સાથે ટ્રક અહી થી દશ કિલોમીટર દૂર વાસણા- ભાયલી રોડ તરફ ગઈ..  અમે પણ પાછળ પાછળ ગયા કારણ કે વડોદરા શહેરમાં દબાણની  વ્યાખ્યાનો નવો આવિષ્કાર થઈ રહ્યો હતો એટલે દબાણની નવી વ્યાખ્યા સમજવી જરૂરી હતી.. દશ કિલોમીટર સુધીના રસ્તા પર અમે અકોટા વિસ્તારમાં આખો પથારાથી ભરેલો ફૂટપાથ જોયો, પરંતુ દબાણ શાખાની ટીમને આ દબાણ કેમ ના દેખાયું એ અમારા માટે રહસ્ય હતું.. ખેર, હવે ટ્રક ત્યાં પહોંચી જ્યાં રોડ પર ટ્રાફિક નું ભારણ નથી.. રોડ થી દૂર ખુલ્લામાં મરઘી વેચતા એવા લોકો પર દબાણની ટીમ ત્રાટકી..


આખા શહેરના ભરચક રોડ પર અડચણ રૂપ દબાણો છોડી દબાણ શાખા શહેરના સીમાડે આવેલા વિસ્તારોમાં દબાણ ન થાય એની કેટલી કાળજી રાખે છે એ આજે ખબર પડી.. દબાણ શાખાએ અહી સડક પર ઈંટો અને રેતી વેચતા આ વેપારીનું દબાણ દબાણ ના લાગ્યું.. હવે પ્રિયા ટૉકીઝ પાસે એક બંગલા આગળ અને ડીવાઈડર પર શાકભાજીનો પથારો દૂર કર્યો... આ દરમ્યાન દબાણ દૂર કરાવવા આવેલા પાલિકાના વોર્ડના ભાડા ક્લાર્ક ને અમે જ્યારે પૂછ્યું કે દબાણની વ્હાલા દવલાની નીતિ ક્યારથી અમલ માં આવી અને બંગલા બહાર સડક પર ઈંટો અને રેતીનું દબાણ દબાણ ન કહેવાય, તો મહાશય અમને પડકારવા લાગ્યા.. 

      દબાણ શાખાના અધિકારી ડૉ. મંગેશ જયસ્વાલની સૂચના નું પાલન કરી માત્ર બે ત્રણ સ્થળે દબાણ દૂર કરી ટીમ પરત ફરી..  અમે મંગેશ જયસ્વાલ ને પૂછ્યું કે પથારાના દબાણો સામાન જપ્ત કરવાનું ક્યારથી નક્કી થયું તો એમણે કેમેરા સામે આવ્યા વગર ગોળ ગોળ જવાબ આપ્યા હતા. અમે તેમને પૂછ્યું કે ગરીબ પરિવારના ફુગ્ગા દબાણ હતા એ માની લઈ, પરંતુ પાણી પીવાના પ્લાસ્ટિકના જાર પણ દબાણ ની શ્રેણીમાં કેવી રીતે આવે  ? તો એમણે કહ્યું કે હું જોઈ લઉં છું.  

   હવે ખંડેરાવ માર્કેટની વડી કચેરી જ્યાં રોજ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, દબાણ વિભાગના અધિકારી ડૉ. મંગેશ જયસ્વાલ, મેયર પિન્કી સોની, ડે. મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉ. શીતલ મિસ્ત્રી, અન્ય હોદ્દેદાર મનોજ પટેલ અને શૈલેષ પાટીલ સહિત ૭૬ કાઉન્સિલરો શહેરના વિકાસની ચિંતા કરવા આવે છે. આ કચેરી ની બહાર લારી અને પથારાના દબાણો શાસકોની આવડત અને દૂરંદેશીની ચાડી ખાય છે. શું તમને એવું નથી લાગતું કે જેમને તમે ચૂંટી ને મોકલ્યા છે એવા કાઉન્સિલરો અને અધિકારીઓને તેમની અદ્વિતીય સફળતા માટે એવોર્ડ આપવો જોઈએ.. શાશકોની આવડતની નોંધ લઇને એકવાર મુખ્યમંત્રીએ પણ આ લોકો ને એવોર્ડ ના આપવો જોઈએ..?

Share :

Leave a Comments