- નિર્જન અને નડતરરૂપ ના હોય એવા સ્થળે થી ગરીબો ની લારી ઉઠાવી છાતી ફુલાવતા અધિકારીઓ મદનઝાંપાના સાયકલ બજારના દબાણોમા સાયકલ ઉઠાવવાની હિંમત એકઠી કરી શકતા નથી..!!
વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખા રાજકીય ઈશારે કથ્થક કરે છે. દબાણ શાખા નિષ્પક્ષ રહેવાને ને બદલે રાજકીય અહમ સંતોષવામાં દબાણ હેઠળ કામ કરે છે.
- દબાણ શાખાની વ્હાલા દવલાની નીતિ ના પાપે દબાણો ઘટવાને બદલે વધે છે...!
વડોદરા શહેરમાં ઠેર-ઠેર દબાણોના રાફડા ફાટી નીકળ્યા છે. આમછતા દબાણો હટાવવામાં વ્હાલા દવલાની નીતિ અપનાવવામા આવે છે. રાજકીય દબાણ હેઠળ કામ કરતી પાલિકાની દબાણ શાખા દબાણો હટાવવામાં સદંતર નિષ્ફ્ળ રહી છે. બે ચાર નેતાઓ દબાણ શાખાના "બોસ" હોય એમ દબાણ શાખા એમના પડ્યા બોલ ઝીલવા નતમસ્તક થઈ હંમેશા તૈયાર રહે છે. માથાભારે તત્વોના લારી ગલ્લાના દબાણો હટાવવાની હિંમત દબાણ શાખાના અધિકારીઓમાં જોવા મળતી નથી. જો કોઈ ગરીબ વ્યક્તિએ એની લારી નડતરરૂપ ના હોય અને નિર્જન સ્થળે ઉભી રાખી હોય તો ત્યાં કોઈ નેતા ના ઈશારે જઈ દબાણ શાખા એ લારી ઉઠાવી બહાદુરી બતાવે છે. જયારે મદનઝાંપા રોડના સાયકલ બજારના, ચોખંડી, માંડવી થી પાણીગેટ જવાના રોડ દુકાનો બહાર બાવલા મુકી થતા દબાણો અને અન્ય ઘણા વિસ્તારોમાં દબાણ ઉઠાવી લેવાની હિંમત થતી નથી.
- વેન્ડર પોલિસી ના અમલના આદેશને શાસકો અને અધિકારીઓ ધોળીને પી ગયા..?
મદનઝાંપા રોડ પર આવેલા સાયકલ બજારના ફૂટપાથ અને રોડ પર સાયકલો ખડકી કરતા દબાણો હટાવી લેવાની સૂચના આપી દબાણ શાખા પાછી ફરે છે. અહીં દબાણ કરતી સાયકલો કેમ કબ્જે કરવામાં આવતી નથી ? એકાદ વાર બે ચાર સાયકલો જપ્ત કરી કામગીરી બતાવવાનો પ્રયાસ દબાણ શાખાની બેધારી નીતિની પોલ ખોલે છે. કેટલાક સ્થળોએ રાજકીય દબાણ હેઠળ લાઈન બંધ લારીઓમાંથી એકાદ લારી ઉઠાવવામાં આવે છે. વેન્ડર પોલિસીનો આદેશ ધોળીને પી ગયેલા શાસકો અને અધિકારીઓ વ્હાલા દવાલાની નીતિએ શહેરના રાજમાર્ગો પર ચાલવું મુશ્કેલ કરી દીધું છે.