- આંગળી પર મતદાન કર્યા બાદ કરવામાં આવતું શાહીનું ટપકું દર્શાવી વિદ્યાર્થીઓએ લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપ્યો
18મી લોકસભાની 7મી મેના રોજ યોજાનાર સામાન્ય ચૂંટણીમાં મતદારોને જાગૃત કરવા માટે ટિમ સ્વીપ અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન યોજવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર-જિલ્લાની 10 વિધાનસભામાં 14 જેટલી શાળાઓના 10,000 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચી મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવવામાં આવ્યો હતો.
લોકસભાની યોજાનાર સામાન્ય ચૂંટણીમાં વડોદરા લોકસભા અને વાઘોડીયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ સ્વીપ અને ટીઆઇપી અંતર્ગત વડોદરા શહેર જિલ્લામાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાની ભારતીય વિદ્યા ભવન્સ સ્કૂલ ખાતે 1500 જેટલા વિદ્યાર્થીઓએ માનવ સાંકળ રચી હતી. જેમાં આંગળી પર મતદાન કર્યા બાદ કરવામાં આવતું શાહીનું ટપકું દર્શાવ્યું હતું. આ રીતે વિધાર્થીઓ દ્વારા લોકશાહી સુદૃઢ કરવાનો અને મતદારોમાં મતદાન જાગૃતિનો અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો.