કારેલીબાગના બહુચરાજી મંદિરે આજે માતાજીને માગશર સુદ બીજે રસ રોટલીનો ભોગ ધરાવાયો

આ પ્રસાદ ધરાવવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની જોડાયેલો અત્યંત રસપ્રદ પ્રસંગ જાણો

MailVadodara.com - At-Bahucharaji-Temple-of-Karelibagh-today-Mataji-was-victimized-by-Magshar-Sud-bje-ras-roti

- માતાજીને ભોગ લગાવેલો રસ રોટલીનો પ્રસાદ ભક્તોને વહેંચવામાં આવે છે


વિશ્વમાં જ્યાં પણ મા બહુચરનું ધામમાં આજે માગશર સુદ બીજના દિવસે માતાજીને રસ રોટલીનો ભોગ લગાવાય જ છે. અને પછી તેને જ પ્રસાદ રૂપે ભક્તોને વહેંચાય છે. માગશર સુદ બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે એક અત્યંત અત્યંત રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે.

મા બહુચરનો સૌથી મોટો પરચો. અને માએ આ પરચો પૂર્યો હતો એ માગશર સુદ બીજ નો દિવસ હતો. દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવાં વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે, અરે વલ્લભધોળા ! જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાવ છો. પણ, ક્યારેક તમેય જ્ઞાતિભોજન કરાવો. વલ્લભ ભટ્ટ હજુ કંઈ સમજે અને કંઈ બોલે તે પહેલાં જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા કે, અરે વલ્લભજી તો આખીયે નાતને જમાડશે. અને એય પાછું આ માગશર સુદ બીજે રસ-રોટલીનું જમણ કરાવશે. જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી. 

વલ્લભ ભટ્ટને ચિંતા સતાવવા લાગી કે હવે કરવું શું ? પણ, જેના માથે સ્વયં મા બહુચરાનો હાથ હોય તેના જીવનમાં ભલાં શું અશક્ય હોવાનું ! માગશર સુદ બીજનો દિવસ આવ્યો. વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર શિયાળે કેરીનો રસ ક્યાંથી આવે. બપોરનો સમય થયો. વલ્લભજી તો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા. અને માના નામનું સ્મરણ કરવા જ લીન થઈ ગયા. કહે છે કે તે સમયે મા બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસીંગ દાદા ધોળા રૂપે નવાપુરાની ભૂમિ પર આવ્યા. અને મેવાડા બ્રાહ્મણની આખીયે નાતને રસરોટલીનું જમણ કરાવ્યું. લોકોએ તો વલ્લભધોળાની મજાક કરવા રસની માંગ મૂકી હતી. પણ, માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાજ રાખી.

નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભધોળા સામે મળ્યા. અને આખીયે ઘટનાની જાણ થઈ. વલ્લભધોળાએ મા બહુચરનો આભાર માન્યો. તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભધોળાની માફી માંગી. અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો. ભક્તની લાજ રાખવા જે દિવસે દેવી ભક્તના જ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે માગશર સુદ બીજનો દિવસ હતો.

Share :

Leave a Comments