મનિષા ચાર રસ્તાથી ભાયલી તરફ જવાના રોડ પરનો ડામર પીગળતાં લોકોને ભારે હાલાકી

તંત્રની અણ આવડતને કારણે શહેરના માર્ગો પર ડામર પીગળવાનો સિલસિલો યથાવત

MailVadodara.com - Asphalt-on-the-road-leading-from-Manisha-Char-road-to-Bhayli-melted-causing-great-distress-to-people

- ડામરના કારણે રાહદારીઓના પગરખાં રોડ પર ચોંટી ગયા, સ્થાનિકોમાં રોષ


સ્માર્ટ સિટી વડોદરા શહેરમાં સ્માર્ટ પાલિકા તંત્રની અણ આવડતને કારણે શહેરના માર્ગો પર ડામર પીગળવાનો સિલસિલો યથાવત રહેતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના અનેક રોડની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ઘણાં બધાં રોડ તૈયાર કરવામાં આવ્યા હતા તો કેટલાક રોડ પહોળા કરી રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ હાલ ઉનાળાની ઋતુમાં આકરી ગરમી પડી રહી છે, તેના કારણે આવા રોડ પરના ડામર પીગળી રહ્યાં હોવાની ઘટનાઓ જોવા મળી રહી છે. થોડા દિવસો પહેલા હાથીખાના રોડ પરનો ડામર પીગળતાં લોકોને હાલાકી ઉઠાવવાનો વારો આવ્યો હતો. હવે મનિષા ચાર રસ્તાથી ભાયલી તરફ જવાના માર્ગે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ડામર પીગળવાને કારણે રાહદારીઓના પગરખાં રોડ પર ચોંટી જાય છે. અહીં કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર રેતી પાથરવામાં આવી હતી પરંતુ હાલમાં 39 ડિગ્રી ગરમીને કારણે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે, જે અંગે વાહનચાલકો દ્વારા પાલિકા તંત્ર તથા કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી કામગીરી સામે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખભાઈ પ્રજાપતિને આ બાબતે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, એક મહિના અગાઉ આ રોડ પર કાર્પેટિંગ કરવામાં આવ્યું હતું અને હાલ અસહ્ય ગરમીને કારણે રોડ પરનો ડામર પીગળી રહ્યો છે ત્યારે અધિકારીઓને જરૂરી સૂચના આપી દેવામાં આવી છે અને સત્વરે જ અહીં રેતી નાંખવાની કામગીરી કરવામાં આવશે.


Share :

Leave a Comments