પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં પાણી ઉતરતાં જ નરક જેવી સ્થિતિ દેખાઈ, ગંદકી અને કીચડના ખડકલા

વડોદરા કૉર્પોરેશને આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરી

MailVadodara.com - As-the-water-receded-in-the-Parashuram-Bhatta-area-a-hellish-situation-appeared-filth-and-mud-rocks

- પાંચ દિવસ પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાયેલા રહેતા ઘરવખરી, અનાજ સહિતને ભારે નુકસાન, લોકો બગડેલું અનાજ બહાર ફેંકતા નજરે પડ્યા


વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે, ત્યારે નદીકાંઠાના સૌથી અસરગ્રસ્ત એવા પરશુરામ ભઠ્ઠામાં પણ પાણી ઉતરી ગયા છે. પાણી ઉતરતાં જ ત્યાં ભારે ગંદકી જોવા મળી રહી છે. ગંદકીના ઢગલે ઢગલાથી નર્કાગાર જેવી સ્થિતિ છે. ગઈરાત સુધી ત્યાં પાણી ભરેલા હતા અને આજ સવારથી પાણી ઉતરી ગયા છે. જો કે કૉર્પોરેશને આ સ્થળે તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરી છે.


વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ સોમવારથી થયું હતું. તે દિવસથી જ પરશુરામ ભઠ્ઠામાં સૌથી પહેલા પાણી ઘૂસ્યા હતા અને ત્યારથી પાંચ દિવસ સુધી આ વિસ્તાર પાણીમાં રહ્યો હતો. પાણી પ્રવેશ્યા તે અગાઉ કૉર્પોરેશન દ્વારા માઇકથી લોકોને સૂચિત કરીને સ્થળાંતર કરી જવા સૂચના પણ આપવામાં આવી હતી. પાંચ દિવસ સુધી પરશુરામ ભઠ્ઠામાં પાણી ભરાયેલા રહેતા ઘરવખરી, અનાજ સહિતને ભારે નુકસાન થયું છે. લોકો આજે સવારે બગડી ગયેલું અનાજ વગેરે બહાર ફેંકતા નજરે પડ્યા હતા. દરમિયાન આજ સવારથી કૉર્પોરેશન દ્વારા અહીં સફાઈ માટે કામદારોની ટુકડીઓ ઉતારી છે. અહીં વડોદરા ઉપરાંત અમદાવાદ અને બહારગામના સફાઈ કામદારો સફાઈ કામગીરીમાં લાગ્યા છે. કૉર્પોરેશન દ્વારા ખાદ્ય સામગ્રી અને પાણીનું વિતરણ પણ ચાલુ કરવામાં આવ્યું હતું. સફાઈ માટે જેસીબી, ડમ્પર, રોબોટ મશીન વગેરે કામે લગાડવામાં આવ્યા છે. આ વિસ્તાર સૌથી વધુ પૂરગ્રસ્ત હોવાથી અને પાણી પાંચ દિવસ સુધી ભરેલા હોવાથી ગંદકી ખૂબ ફેલાયેલી છે. જેના કારણે સફાઈમાં પણ વાર લાગશે. બીજી બાજુ કૉર્પોરેશનની આરોગ્ય ખાતાની ટીમો સ્થળ પર પહોંચી છે અને જરૂરિયાતમંદોને ચકાસીને દવા વગેરે આપી રહી છે.

Share :

Leave a Comments