- કોર્પોરેશન દ્વારા છાણી ટાંકી ખાતેથી પાણીનો નમૂનો લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયો, રિપોર્ટ યોગ્ય જણાયા બાદ પાણીનું વિતરણ કરાશે
વડોદરામાં વિશ્વામિત્રીના પૂરના લીધે લોકોની હાલત કફોડી બની ગઈ છે. એમાં પણ લોકોને પીવાના પાણીના ફાંફા પડી ગયા છે. શહેરના ઉત્તર ઝોનમાં છાણી તથા હરણી ગામના લોકો છેલ્લા પાંચ દિવસથી પીવાનું પાણી ન મળતાં હેરાન-પરેશાન થઇ ગયા છે.
વડોદરાના વોર્ડ નંબર એકના કોંગ્રેસના સિનિયર મહિલા કોર્પોરેટરના કહેવા મુજબ આજે પાંચમા દિવસે પણ આ બંને વિસ્તારના નાગરિકોને પીવાના પાણીનું વિતરણ થઈ શકશે નહીં. કારણ કે બંને પાણીની ટાંકીઓ પાણીમાં ગરકાવ થઈ ગયેલી હતી. બંને પાણીની ટાંકીઓનું લોકાર્પણ 2015 માં કરવામાં આવ્યું હતું. આ એ જ 24×7 ટાંકી છે, જેની મોટા ઉપાડે વાતો કરવામાં આવતી હતી.
છાણી પાણીની ટાંકીથી પ્રભાવિત દોઢથી બે લાખની વસ્તી તથા સંપૂર્ણ હરણી ગામ તથા એરપોર્ટ પાછળનો આખો પટ્ટો મળીને ત્રણથી ચાર લાખની વસ્તી પાંચ દિવસથી પાણીની કાગડોળે રાહ જોઈ રહી છે. બંને ટાંકીઓ ઊંડાણવાળા વિસ્તારમાં બનાવેલી હતી. જેથી 2019માં પૂર આવેલું ત્યારે પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયેલું હતું. આજે પણ છાણી ગામ પોદાર સ્કૂલની આજુબાજુનો વિસ્તાર ફક્ત ટ્રેક્ટર લઈને જઈ શકે તે રીતે પૂરના પાણીથી ભરેલો છે. છાણી ગામના ખેડૂતોના ખેતરોમાં આજે પણ પાણી ભરેલા છે. જેઓને મોટું આર્થિક નુકસાન થયું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે સવારે કમિશનર પોતે ટ્રેક્ટરમાં બેસીને સ્થિતિનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. ટ્રેક્ટર સિવાય બીજા કોઈ વાહનમાં અહીં જઈ શકાય તેવું છે નહીં. છાણી ટાંકી ખાતે પાણી ભરેલા હતા, જે ઉતરી ગયા છે, પરંતુ બહાર હજુ પાણી છે. ટાંકીનો અંડરગ્રાઉન્ડ સંપ પાણીથી ભરેલો છે. હવે આ પાણીમાં પૂરનું પાણી ગયું છે કે કેમ તે સવાલ છે. જોકે કોર્પોરેશને આ પાણીનો નમૂનો લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલ્યો છે. ટાંકીની મશીનરીઓમાં પણ પાણી ઘૂસી ગયું હતું અને હાલ તેની સફાઈ ચાલી રહી છે. જેની સફાઈ પૂર્ણ થતા અને પાણીનો રિપોર્ટ યોગ્ય જણાઈ આવશે તો પાણીનું વિતરણ શરૂ કરી શકાશે. બીજી બાજુ કોર્પોરેશન કહે છે કે, હરણી ટાંકીથી ગઈકાલે પાણી આપવામાં આવ્યું છે પરંતુ લોકોને કેટલું મળ્યું છે તે સવાલ છે.