ઠંડીમાં વધારો થતાં કમાટીબાગ ઝૂમાં પ્રાણીઓ અને પક્ષીઓને ગરમાવો મળે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ

પક્ષીઓને ઠંડીથી રક્ષણ આપવા પિંજરા ફરતે ગ્રીન એગ્રોનેટ પડદા બાંધવામાં આવ્યા છે

MailVadodara.com - As-the-cold-weather-increased,-special-arrangements-were-made-to-keep-the-animals-and-birds-warm-in-Kamatibagh-Zoo

- વાંદરા માટે તાપણા તેમજ નાના પક્ષીઓ અને સરીસૃપોને ઠંડીથી રક્ષણ આપવા માટે પિંજરામાં ઇલેક્ટ્રીક બલ્બ ચાલુ રાખવામાં આવે છે, જેથી તેઓને ગરમાવો મળી રહે


ઠંડીમાં વધારો થતાં અને હજુ પણ ઠંડીનું આક્રમણ વધશે. રાત્રે ટેમ્પરેચર વધુ ઓછું થાય છે, જેના કારણે કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓને ઠંડીથી રક્ષણ મળે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.


કમાટીબાગના પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓના પિંજરામાં સૂકા ઘાસની પથારી કરવામાં આવી છે. ઘાસની પ્રકૃતિ ગરમ છે, એટલે તેની પથારી પર સૂઈને પ્રાણીઓ ગરમાવો લઈ શકે છે. જુદા-જુદા આકારની ઘાસની ઝૂંપડીઓ પણ તૈયાર કરી છે. જેમાં રાત્રિના સમયે પ્રાણીઓ બેસીને ઊંઘ મેળવી શકે છે. અગાઉ સિંહ અને દીપડા જુના પિંજરામાં રાખવામાં આવતા હતા, ત્યાં હવે વાંદરા રાખવામાં આવે છે. વાંદરા માટે પણ ગરમાવો મળે તે માટે તાપણા કરવામાં આવે છે. સાંજે ઝૂ બંધ થવાનું હોય ત્યારે તાપણું ચાલુ કરી દેવામાં આવે છે, જે આખી રાત ચાલુ રહે છે નાના પક્ષીઓ અને સરીસૃપોને ઠંડીથી રક્ષણ આપવા માટે તેઓના પિંજરામાં ઇલેક્ટ્રીક બલ્બ ચાલુ રાખવામાં આવે છે. જેનાથી તેઓને ગરમાવો રહે છે.


આ ઉપરાંત પક્ષીઓના પિંજરા ફરતે ગ્રીન એગ્રોનેટ પડદા બાંધવામાં આવ્યા છે, અને સાંજ પડતા પિંજરા ઢાંકી દેવામાં આવે છે. જેથી કરીને રાત્રે ઠંડા પવનો ફૂંકાય તો પ્રાણીઓને ઠંડીથી રક્ષણ મળી શકે. શાકાહારી પ્રાણીઓ હરણને પિંજરામાં દર એકાંતરે સૂકું ઘાસ નાખવામાં આવે છે. જેને તે ખાઈ પણ શકે છે અને સૂકા ઘાસ ઉપર રાત્રે સુઈ શકે છે.પક્ષીઓનું શરીરનું તાપમાન માનવી કરતાં ચાર પાંચ ડિગ્રી વધુ હોય છે, એટલે તેઓ ઠંડી ઝીલી શકે છે. આમ છતાં પણ ઠંડી સામે તેઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. જળચર પ્રાણીઓ માટે કોઈ વ્યવસ્થા કરવાની બહુ જરૂર રહેતી નથી. ઠંડી વધતા પશુ પંખીઓના ખોરાકમાં સીઝનલ ફળફળાદી અને શિયાળાના લીલા શાકભાજી ખાસ તો મેથી, પાલક, તાંદળજો વગેરેનો વધારો કરવામાં આવ્યો છે. મધ પણ અપાય છે. જે પૌષ્ટિક ગણાય છે અને ઠંડી સામે ગરમાવો મળી શકે છે. પ્રાણીસંગ્રહાલયમાં એકાદ હજારથી વધુ પશુ પંખીઓ છે. જેઓને શિયાળામાં ઠંડીથી રક્ષણ આપવામાં આવે છે, તેમ ઉનાળામાં ગરમી સામે ઠંડક મળી રહે તેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

Share :

Leave a Comments