- આગાહીના પ્રથમ દિવસે જ વડોદરા શહેરનો તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા, આગામી દિવસોમાં પારો હજુ ઊંચકાવાની શક્યતા
ગુજરાતમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઇ ગઇ છે. આજનો સોમવારનો દિવસ 39 ડિગ્રી સાથે હોટેસ્ટ ડે રહ્યો હતો. ગરમીની શરૂઆતમાં જ શહેરના સ્માર્ટ માર્ગો ઉપરનો ડામર પીગળવાની શરૂઆત થઇ ગઇ છે. ડામર પીગળવાના કારણે વાહનચાલકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી હતી.
હવામાન વિભાગ દ્વારા આજથી ચાર દિવસ અસહ્ય ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે આગાહીના પ્રથમ દિવસે જ વડોદરા શહેરનો તાપમાનનો પારો 39 ડિગ્રીએ પહોંચી જતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ગયા હતા. ગરમીના કારણે બપોરના સમયે શહેરના બજારોમાં પણ ગરમીની અસર જોવા મળી હતી. તે સાથે 24 કલાક ધમધમતા એવા શહેરના માર્ગો ઉપર પણ વાહનોની અવરજવર ઉપર અસર જોવા મળી હતી.
આકાશમાંથી વરસેલા અગનગોળાના કારણે વડોદરા શહેરના માર્ગો ઉપર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા સ્માર્ટ ડામર રોડ પીગળવાની શરૂઆત થઈ ગઇ છે. વડોદરાના કોર્ટ રોડ, સ્ટેશન રોડ, ન્યુ વીઆઇપી રોડ સહિતના માર્ગો પર ડામર પીગળતા વાહનચાલકોને જીવના જોખમે પસાર થવાની ફરજ પડી હતી. જોકે પાલિકા દ્વારા કોર્ટ રોડ તેમજ સ્ટેશન રોડ ઉપર પીગળેલા ડામર ઉપર રેતી નાખીને વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ પંખા, એસી, કુલર જેવી વસ્તુઓ ખરીદવા માટે દુકાનો અને શો રૂમોમાં લોકોની ભીડ જોવા મળી હતી. અસહ્ય ગરમીના કારણે લોકોએ એસી, કુલર ચાલુ કરવાની પણ ફરજ પડી હતી. આવનાર દિવસોમાં હજુ ગરમીનો પારો વધુ ઊંચકાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.