- 1400 ચોરસ મીટર વિસ્તારમાં વન ઉછેરાશે, બાકીની જગ્યામાં વોક વે, રમત ગમતના સાધનો અને બહારની બોર્ડર પર વૃક્ષારોપણ કરાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સામાજિક વનીકરણ વિભાગના ઉપક્રમે 74મા વન મહોત્સવ અંતર્ગત વડોદરા શહેરમાં આજે 15મું મિયાવાકી પદ્ધતિથી વન ઉછેરવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
શહેરમાં વારસિયા અર્બન હેલ્થ સેન્ટર પાસે, ટીપી 5, ફાઇનલ પ્લોટ નંબર 83 માં આ પદ્ધતિથી ગાર્ડન તૈયાર કરાશે. 1,400 ચોરસ મીટર વિસ્તારમાં વન ઉછેરવામાં આવશે. જેમાં 500 ચોરસ મીટર વિસ્તારમાં મિયાવાકી પદ્ધતિથી વન ઉછેર કરાશે. અહીં આશરે જુદા જુદા પ્રકારના 1500 છોડ વાવવામાં આવશે. બાકીની જગ્યામાં વોક વે, રમત ગમતના સાધનો વગેરે મુકાશે અને બહારની સાઈડમાં બોર્ડર પર વૃક્ષારોપણ કરાશે. આજે આશરે 175 જેટલા છોડનું મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ થશે, અને એકાદ અઠવાડિયામાં તમામ 1500 છોડનું વૃક્ષારોપણ કરી દેવામાં આવશે.
આજના પ્રસંગે પર્યાવરણ અને વૃક્ષ પ્રેમીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં 14 જગ્યાએ મિયાવાકી પદ્ધતિથી શહેરી વનનો ઉછેર કરવામાં આવી રહ્યો છે. જ્યાં આશરે 33,800 છોડ મિયાવાકી પદ્ધતિથી વાવ્યા છે. વિવિધ એનજીઓ સાથે મળીને કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 વર્ષમાં મિયાવાકી પદ્ધતિથી શહેરી વન વિકસિત કરાઇ રહ્યા છે. મિયાવાકીએ જાપાની પધ્ધતિ છે. જાપાનના અકિરા મિયાવાકીએ ટૂંકા ગાળામાં વનઉછેરવા હેતુસર આ પધ્ધતિ વિકસાવી છે. વિશ્વના અનેક દેશોએ વનસ્પતિ શાસ્ત્રી મિયાવાકીની આ પધ્ધતિ અપનાવી વનનિર્માણ કર્યું છે. આ પધ્ધતિથી નાના વિસ્તારમાં પણ ઝડપથી વન ઉગાડી શકાય છે. આ પધ્ધતિમાં એક જ વિસ્તારમાં શક્ય એટલા વૃક્ષો વાવવામાં આવે છે.