ડેસરના સાંઢાસાલ તલાવડી પાસે મામેરુ લઇ જતા 25 જેટલા જાનૈયા સવાર ટેમ્પો પલટી ગયો, 14 ઇજાગ્રસ્ત

જાનૈયાઓ ભાણીનું મામેરુ લઈને માણેકલાથી સાંઢાસાલ જતા હતા ત્યારે અકસ્માત નડયો

MailVadodara.com - As-many-as-25-Janaiya-riders-carrying-Mameru-overturned-near-Sandhasal-Talavadi-in-Deser-14-injured

- રોંગ સાઇટમાં આવતી કારને બચાવવા જતાં ઇમર્જન્સી બ્રેક મારતા ટેમ્પોનું ટાયર ફાટી ગયું હતું અને ટેમ્પો પલટી ગયો હતો, અકસ્માતમાં ચાર લોકોને ગંભીર ઈજા પહોંચી


વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના સાંઢાસાલ તલાવડી પાસે 25 જાનૈયા સવાર ટેમ્પો પલટી ખાઇ ગયો હતો. સામેથી રોંગ સાઇટમાં આવતી કારને બચાવવા જતાં ટેમ્પો પલટી મારી ગયો હતો. આ ઘટનામાં 14 વ્યક્તિને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળેલી માહિતી મુજબ, જિલ્લાના ડેસર તાલુકાના માણેકલા ગામના જશવંતસિંહ ફતેસિંહ પરમારની ભાણી જોસનાબેનના લગ્ન હોવાથી માણેકલા ગામથી સાંઢાસાલ રાવજીભાઈ રમણભાઈ ગોહિલને ત્યાં મામેરુ લઈને જતા પિયરીયાઓને અકસ્માત નડયો હતો. સાઢાસાલ નજીક આવેલી હરીયા તલાવડી પાસે ટેમ્પો લઈને પસાર થતા હતા. ત્યારે સામેથી રોંગ સાઈડે પૂરપાટ આવતી કારને બચાવવા જતા ઇમર્જન્સી બ્રેક મારી હતી જેના પગલે ટેમ્પોનું ટાયર ફાટી ગયું હતું અને ટેમ્પો પલટી ખાઈ ગયો હતો.


ટેમ્પો પલટી ખાતા અંદર બેઠેલાઓની ચિચિયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. માણેકલા ગામના પરમાર પરિવારના અંદાજે 25 પૈકી 14 જેટલા મોસાળિયાઓ ઘાયલ થયા હતા. તલાવડી પાસે ટેમ્પો પલટી ખાઈ ગયો છે, તેવી વાત વાયુ વેગે સાઢાસાલમાં ફેલાતા મોટી સંખ્યામાં ગ્રામજનો તલાવડી ખાતે બચાવ કામગીરીમાં જોતરાયા હતાં. એક પછી એક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી 108નો સંપર્ક કરતા કાલોલ, સાવલી અને ડેસરની કુલ ત્રણ 108 વાનો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ધાયલોને ડેસર- સાવલીની સીએચસી ખાતે ખસેડાયા હતા.

અકસ્માતમાં ઇજા પામનારાઓમાં શાંતાબેન નરવતભાઈ પરમાર, કોકીલાબેન ફતાભાઈ પરમાર, મંજુલાબેન અમરસિંહ પરમાર, નમ્રતાબેન અમરસિંહ પરમાર, લીલાબેન અનોપભાઈ પરમાર, પ્રેમીલાબેન રમણભાઈ પરમાર, સવિતાબેન મડાભાઈ પરમાર, ઉર્મિલાબેન ભારતભાઈ પરમાર, અંજુબેન કમલેશભાઇ પરમાર, શાંતીબેન ધનાભાઇ પરમાર, કુસુમબેન કાળુભાઈ મકવાણા, કાજલબેન રમેશભાઈ પરમાર અને પ્રવીણ અમરસિંહ ચૌહાણ વગેરેનો સમાવેશ થાય છે.

તેમાંથી 4 લોકોને વધુ ગંભીર ઈજાઓ થઈ હોવાથી વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. આ અકસ્માતની જાણ ડેસર પોલીસ મથકે થતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી બનાવની વિગતો મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments