- યંગસ્ટર ગૃપના શ્રીજીની આગમન યાત્રામાં અંદોરઅંદર ગેરસમજ થઇ હતી
આગામી 7 સપ્ટેમ્બરથી ગણેશોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. વિવિધ ગણેશ મંડળો દ્વારા શ્રીજીને વાજતેગાજતે પંડાલમાં લઇ આવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. મોડીરાત્રે શહેરના કરોળિયા-ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રુપના ગણેશજીની આગમન યાત્રા નિકળી હતી. દરમિયાન અંદરોઅંદર ગેરસમજ ઉભી થવાના કારણે દોડધામ મચી ગઈ હતી. જો કે, મામલો ઉગ્ર બને તે પહેલાં બે પોલીસ મથકના કાફલાએ સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો અને શ્રીજીની યાત્રાને રવાના કરી હતી.
મળેલી માહિતી પ્રમાણે, શહેરના કરોળિયા-ગોરવા રોડ ઉપર મધુનગર પાસેના યંગસ્ટર ગ્રૂપના ગણપતિની બે પોલીસ મથકના બંદોબસ્ત વચ્ચે આગમન યાત્રા નિકળી હતી. ડીજે સાથે નિકળેલી ભવ્ય યાત્રામાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. માર્ગમાં આવતા ચોક્કસ વિસ્તાર પાસે યાત્રામાં જોડાયેલા યુવાનોએ જયશ્રી રામના નારા સાથે દેકારા પડકારા શરૂ કર્યા હતા. પરિણામે ગેરસમજ ઉભી થતાં નાસભાગ મચી ગઈ હતી. મંડળના આયોજકો દ્વારા દોડધામ ન કરવા તેમજ શાંતિ જાળવવા એનઆઉન્સ પણ કરવામાં આવ્યું હતું. પરંતુ યાત્રામાં જોડાયેલા લોકોએ દોડધામ ચાલુ રાખી હતી. જો કે, મામલો ઉગ્ર બને તે પહેલાં પોલીસે સંયમ પૂર્વક પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવી લીધો હતો અને યાત્રાને નીજ પંડાલ તરફ રવાના કરી હતી.
આ બનાવ અંગે ડીસીપી જુલી કોઠિયાએ જણાવ્યું કે, ગણેશજીની યાત્રા નિકળી હતી અને વરસાદી વાતાવરણ હતું. ડીજે અને ગણેશજીની મૂર્તિ વચ્ચેનું અંતર વધી ગયું હતું. ડીજેની હાઇટ વધારે હોવાથી આગળ વાયર છે તેવું સુચન કરતા યુવાનોએ દેકારો કરી મુક્યો હતો. જેથી ગણેશજીની મૂર્તિ વધારે પાછળ રહી ગઇહોવાથી લોકોને લાગ્યું કે, પથ્થરમારો થયો છે. જેથી નાસભાગ મચી હતી. અંતે કેટલાક લોકો પોતાના ચપ્પલ રસ્તા પર જ પડતા મુકી ભાગ્યા હતા. તે સમયે પોલીસ સ્થળ પર જ હાજર હતી. ગોરવા અને જવાહરનગર પોલીસ મથકના પીઆઇ હાજર હતા. ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. કોઈ બનાવ બન્યો નથી. પરંતુ અફવાના પગલે નાસભાગ મચી છે. કાંકરીચાળો થયો નથી. જો કે, નાસભાગથી રસ્તામાં પડેલા વાહનોને નુકસાન થયું હોવાનું ધ્યાને આવ્યું છે. આ નુકસાન કોણે કર્યું છે, ક્યારે થયેલું છે, કોના દ્વારા કરવામાં આવ્યું છે તે તપાસ કરવાની કાર્યવાહી ચાલુ છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, નાસભાગ કરતા હોય, ખોટા અવાજો કરીને ઉશ્કેરણી કરતા હોય તેવા તત્વોને રંગેહાથ દબોચીને લઈ જવામાં આવ્યા છે. તેઓ કોને ઉશ્કેરતા હતા કે, ડીજેને ખસેડવાનો પ્રયત્ન કરતા હતા તે તપાસનો વિષય છે. તપાસ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માત્ર અને માત્ર ગેરસમજનો પ્રશ્ન હતો. કોઈને ઈજા થઈ હોવાનું હાલ સુધી ધ્યાને આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, શહેરમાં ગણોશોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવે છે. ગણેશજીની આગમન યાત્રા, ગણેશજીના પંડાલમાં વિવિધ પ્રકારના ડેકોરેશન અને ગણેશજીની વિસર્જન યાત્રા લોકોમાં આકર્ષણ જમાવે છે. યાત્રામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે પોલીસ દ્વારા પણ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે છે. અત્યારસુધી શાંતિપૂર્ણ માહોલ વચ્ચે ગણેશજીની આગમન યાત્રા નિકળી છે. શુક્રવારે રાત્રે મધુનગર પાસે કરોળિયા-ગોરવા રોડ પર યંગસ્ટર ગ્રૂપના ગણેશજીની આગમન યાત્રા સમયે ગેરસમજ ઉભી થતા કાંકરીચાળો થવાના કારણે નાસભાગ થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ બનાવને પગલે ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.