- ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા શ્રદ્ધાળુઓમાં રોષ, ઘણા લોકોએ પાછું ફરવું પડયું
વડોદરામાં દશામાના વ્રતના 10 દિવસ પૂર્ણ થતા આજે વહેલી સવારથી દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. વિસર્જન દરમિયાન વડોદરા કોર્પોરેશન દ્વારા યોગ્ય વ્યવસ્થા ન કરાતાં શ્રદ્ધાળુઓની આસ્થા સાથે રમત રમવામાં આવી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. શહેરમાં ત્રણ તળાવ પાસે મૂર્તિ વિસર્જન કરવા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડમાં જગ્યા જ નથી. કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધુ આવી જતા કેટલાંક શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો. અને મૂર્તિ પરત લઇ ગયા હતા. માંજલપુરમાં બનાવેલો કૃત્રિમ કુંડ દશામાની મૂર્તિથી ઉભરાય ગયો હતો. મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
વડોદરા શહેરના માંજલપુર અને હરણી તળાવમાં કરેલી વ્યવસ્થામાં પાલિકા નિષ્ફળ નીવડી છે. શહેરમાં અપાર ભક્તિ ભાવપૂર્વક ઉજવાતા મા દશામાના વ્રતમાં મૂર્તિઓની વિસર્જન માટે વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રતિ વર્ષ ચારેય ઝોનમાં યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી જ હોય છે. કોર્પોરેશન દ્વારા દશામાના વ્રત બાદ આવતા ગણેશ વિસર્જનની તૈયારીના ભાગરૂપે ટેન્ડર પ્રક્રિયા કરીને વિસ્તારોમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવતા હોય છે અને તે તળાવોમાં દશામાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે, પરંતુ આ વખતે ટેન્ડર પ્રક્રિયા મોડી થવાના કારણે કોર્પોરેશન કૃત્રિમ તળાવ બનાવી ન શકતા કોર્પોરેશનને હરણી તળાવમાં વ્યવસ્થા કરવાની ફરજ પડી છે. ગત વર્ષે હરણી રોડ ઉપર કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વર્ષે માંજલપુર કૃત્રિમ તળાવની ક્ષમતા કરતાં વધુ શ્રદ્ધાળુ મૂર્તિ લઈને પહોંચ્યા છે. જો કે, કૃત્રિમ કુંડની ક્ષમતા કરતા મૂર્તિઓ વધી જતા શ્રદ્ધાળુઓએ પાછા જવાનો વારો આવ્યો છે.
આ અંગે વિસર્જન કરવાં આવેલા સામાજિક આગેવાન અતુલ ધામેચીએ જમાવ્યું હતું કે, આજે 10 દિવસ બાદ મા દશામાનું વિસર્જન કરવામા આવી રહ્યું છે. પાલિકાએ ગોરવા, માંજલપુર અને હરણી તળાવમાં બાજુમાં કુંડ બનવી વિસર્જનની વ્યવસ્થા કરી છે. શહેરનાં પૂર્વ અને ઉત્તર ઝોનના હજારો શ્રદ્ધાળુઓ અહીંયાં વિસર્જન અર્થે આવ્યા છે અને હજુ લોકોની લાઇનો છે. આ કુંડ ભરાય ગયો છે. પાણી કરતાં ઉપર મૂર્તિઓ આવી ગઈ છે, અહીં મૂર્તિઓના થપ્પા લાગ્યા છે. ત્યારે પાલિકા ફરી એકવાર આયોજનમાં નિષ્ફળ રહી છે. ત્યારે આવનારા સમયમાં યોગ્ય વ્યવસ્થા થાય તેવી અમારી માગ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશનના અધિકારી-પદાધિકારીઓને પહેલેથી જ ખબર છે કે, વડોદરા શહેરમાં હજારોની સંખ્યામાં દશામાની મૂર્તિઓનું સ્થાપન થાય છે તો પછી યોગ્ય વ્યવસ્થા શા માટે નહીં? શા માટે લોકોની આસ્થા સાથે રમત? કેપીસીટી કરતાં વધુ મૂર્તિઓ આવતા પાલિકાની પોલ ખુલી પડી છે, આવાં અનેક સવાલો ઉભા થઇ રહ્યાં છે.