- સુરેશ રાણાએ ફરિયાદમાં જણાવ્યા મુજબ, વ્યાજખોર ધર્મેશ રાણાએ રૂપિયા નહી આપે તો તને જાનથી મારી નાખીશ કહી ઘરનો સામાન ભરી જવાની ધમકી આપી હતી
વડોદરા શહેરમાં લાયસન્સ વગર દોઢ ટકા વ્યાજે એક લાખ રૂપિયા આપીને 15 ટકા વ્યાજ વસૂલનાર વ્યાજખોરની છાણી પોલીસે ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના છાણી દુમાડ રોડ આવેલા મારુતિ હાઇટ્સમાં પર રહેતા સુરેશભાઈ મફતભાઈ રાણા (ઉ.45) એ છાણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, હું છાણી શાક માર્કેટમાં શાકભાજીની લારી ચલાવીને મારૂ જીવન ગુજરાન ચલાવુ છું. મારી વૃદ્ધ માતા સરોજબેનને હૃદયની બિમારી હોવાથી તેમની સારવાર માટે મારે રૂપિયાની જરૂર હતી, જેથી છાણી ગામના રાણાવાસમાં રહેતા ધર્મેશ ચંદ્રકાંતભાઈ રાણા પાસેથી દોઢ ટકાના વ્યાજે એક લાખ રૂપિયા લીધા હતા. ધર્મેશભાઈ ચંદ્રકાંતભાઈ રાણાએ સિક્યુરીટી પેટે મારી પાસેથી કોરો ચેક લીધો હતો અને બે દિવસ બાદ ધર્મેશ રાણાએ મારી શાકભાજીની લારી પર આવી મને કહ્યું હતું કે, જ્યાં સુધી તું મને એકસાથે મૂડીના 1 લાખ રૂપિયા ન આપે ત્યાં સુધી તારે મને હવે દર મહિને 15 હજાર રૂપિયાનો હપ્તો આપવો પડશે, નહી તો તારો સિક્યુરી ટી પેટે લીધેલ કોરો ચેક મારી પાસે પડ્યો છે. તેમાં હું 5 લાખ રૂપિયા લખી દઈશ અને કોર્ટમાં કેસ કરી દઈશ એવી ધમકી આપતા હું તેનાથી ગભરાઈ ગયો હતો અને તેના કહેવા મુજબ દર માસે તેને રૂપિયા 15 હજાર આપવાનુ શરૂ કર્યું હતું.
ધર્મેશ રાણા મારી પાસે એપ્રિલથી સપ્ટેમ્બર માસ સુધી એટલે કે 6 માસ સુધી 15 હજાર રૂપિયા લેખે કુલ 90 હજાર રૂપિયા લઈ ગયો છે અને દર માસની ઉધરાણી ચાલુ રાખી છે, જેથી મે તેને વિનંતી કરી દરરોજ રૂપિયા 1600નો હપ્તો લેવાનુ જણાવતા આ ધર્મેશ રાણા મારી પાસેથી આજદિન સુધી એટલે કે સપ્ટેમ્બરથી નવેમ્બર માસ સુધી દરરોજ રોકડા રૂપિયા 1500 લેખે કુલ રૂપિયા 1,02,400 લઈ ગયો છે. તા-06/12/2024ના રોજ સવારના આશરે 11 વાગ્યે ધર્મેશ રાણા મારા ઘરે આવી મને મારી પત્ની અને મારા દિકરાની હાજરીમાં ગમે તેમ બિભત્સ ગાળો બોલી અને તુ મને જ્યા સુધી મારા રૂપિયા નહી આપે ત્યા સુધી હું તારા ઘરે જ રહેવાનો છુ. અને મારા રૂપિયા આજે નહી આપે તો તને જાનથી મારી નાખીશ. તેમ કહી મારા ઘરે ધમાલ મચાવી હતી અને મારો ઘરનો સામાન ભરી જવાની ધમકી આપી હતી. જેથી, મે તેને કહ્યું હતું કે, હું રૂપિયાની વ્યવસ્થા કરી આપુ છું તેમ કહેતા તે મારા ઘરેથી જતો રહ્યો હતો અને 4 વાગ્યે ધર્મેશ રાણાએ મને ફોન કરી ધમકી આપતા કહ્યું હતું કે, કોઇપણ સંજોગોમાં આજે તારે મને મારી મૂડીના 1 લાખ રૂપિયા આપવા જ પડશે તેમ કહી મને ધમકાવ્યો હતો અને તેની ધમકીના કારણે અમે પરિવારના સભ્યો ખૂબ જ ડરી ગયા છીએ. આ મામલે શાકભાજીના વેપારની ફરિયાદના આધારે છાણી પોલીસે દોઢ ટકાએ વ્યાજે પૈસા આપી 15% વ્યાજ વસૂલ કરનાર આરોપી ધર્મેશ રાણાની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.