- સયાજીગંજ પોલીસે બાતમી અને સીસીટીવીના આધારે તાંદલજાની સૌદાગરની ચાલમાં રહેતા આરોપી મૌસીન ઉર્ફે માંજરો યાકુબભાઇ પટેલની ધરપકડ કરી
- આરોપી સામે ભૂતકાળમાં ગોરવા, જે. પી. રોડ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મારામારી, અકસ્માત અને જાહેરનામા ભંગના ગુના નોધાયા છે
વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં 16 લાખની લૂંટના આરોપીઓ પકડાયા નથી, ત્યાં જ ફરી એક લૂંટની ઘટના બની છે. શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગઇકાલે સાંજે કારચાલક સિનિયર સિટીઝન સાથે થયેલી 50 હજાર રૂપિયાની રોકડ રકમની લૂંટની ઘટના બની હતી. આ કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો છે અને 50 હજાર રૂપિયા આરોપી પાસેથી રિકવર કર્યાં છે. સિનિયર સિટીઝનની કાર અને આરોપીની બાઇક વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. ત્યારબાદ આરોપીએ સિનિયર સિટીઝનને ચપ્પુ બતાવી ફડાકા ઝીંકી તેની પાસેથી રૂપિયા પડાવી લીધા હતા. પોલીસે બાતમી અને સીસીટીવીના આધારે આરોપી મૌસીન ઉર્ફે માંજરો યાકુબભાઇ પટેલ (રહે.સૌદાગરની ચાલ, તાંદલજા, વડોદરા)ની ધરપકડ કરી છે.
વડોદરાના નિઝામપુરા વિસ્તારમાં આવેલ નટરાજ સોસાયટીમાં રહેતા 77 વર્ષીય ચીમનલાલ પન્નાલાલ મિત્તલે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારી કાર લઇને અલકાપુરી રોડ પર આવેલ કવિરાજ હોટલમાં કામ અર્થે હું નિકળ્યો હતો. આ સમયે કડક બજાર પાસે એક વ્યક્તિએ મારી પાસે આવીને મને કહ્યું હતું કે, તારા હાથમાં પહેરેલ સોનાનું કડુ મને આપ. જેથી મેં ના પાડતા તે મને ગાળો બોલવા લાગ્યો હતો. જેથી હું મારી કારમાંથી નીચે ઉતર્યો હતો અને મારું કડું લેવા માટે મારી સાથે ખેંચતાણ કરવા લાગ્યો હતો. તેને મારા ડાબા ગાલ પર લાફો મારી દીધો હતો. જે બાદ મને ચપ્પુ બતાવીને મારી ફેંટ પડકી લીધી હતી અને મારા ખિસ્સામાં હાથ નાખીને 50 રૂપિયા રોકડા લઇને અલકાપુરી ગરનાળા તરફ બાઇક લઇને ભાગી ગયો હતો.
આ મામલે વડોદરા એ ડિવિઝન એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, ગઇકાલે 5 ઓક્ટોબર 5 વાગ્યાના અરસામાં સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 હજારની લૂંટની ઘટના બની હતી. 77 વર્ષીય સિનીયર સિટીઝન ફરિયાદી ચીમનલાલ પન્નાલાલ મિત્તલ પોતાના કામ અર્થે સયાજીગંજથી અલકાપુરી તરફ જઇ રહ્યા હતા. તે દરમિયાન સાંજના 5 વાગ્યાના અરસામાં કડક બજાર નાકા પાસ તેમની કાર અને આરોપીની બાઇક સાથે અથડાઈ હશે. જેથી બાઇક પર આવેલા શકમંદ ઇસમ નીચે પડી ગયો હતો. જેથી આ ઇસમે કારચાલક સામે અકસ્માત કર્યો છે, તેમ કહીને ઝઘડો કરવા લાગ્યો હતો.
આ ઝઘડો તકરાર એ માત્ર બહાનું હતું. સિનિયર સિટીઝનના ખિસ્સામાં 50 હજાર રૂપિયાની રોકડ રકમ હતી અને ઉંમરનો લાભ લઇને આરોપી ચીમનલાલના ખિસ્સામાંથી 50 હજાર રૂપિયા રોકડ લઇને ભાગી છુટ્યો હતો. આરોપી પાસે મોટુ ચપ્પુ પણ હતું. જેથી તુરંત જ ચીમનલાલે સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને બે ટીમો બનાવી હતી. એક ટીમે સીસીટીવીનું ચેકિંગ શરૂ કર્યું હતું અને બીજી ટીમે વાહન ચેકિંગ શરૂ કર્યું હતું. જેના આધારે બાતમી મળી હતી અને સીસીટીવી સર્વેલન્સના આધારે આરોપીની ઓળખ થઈ હતી.
આ આરોપી રીઢો ગુનેગાર છે, પોલીસે તેની ધરપકડ કરી છે. અમે આરોપી પાસેથી 50 હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી છે. ભૂતકાળમાં આરોપી સામે ગોરવા, જે. પી. રોડ અને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં મારામારી, અકસ્માત, હથિયાર બંધી અને જાહેરનામા ભંગના ગુના નોંધાયેલા છે. અકસ્માત અને મારામારી કરીને લૂંટ ચલાવતો અને છેતરપિંડી આચરવાની તેની મોડસ ઓપરેન્ડી હતી. આરોપી વધુ ભણેલો નથી, તે છુટક મંજૂરી કરે છે.
વધુમાં ઉમેર્યું હતું કે, અમે આપના માધ્યમથી લોકોને અપીલ કરીએ છીએ કે, હાલ લોકો રોકડ રકમ લઇને અવરજવર કરતા હોય છે, જેથી આવા ગુનેગારો તેનો લાભ લઇને લૂંટતા હોય અને છેતરતા હોય છે. લોકોને અમે આ બાબતે જાગૃત કરીએ છીએ.