- જિલ્લા એસઓજી પોલીસને માહિતી મળતા ગાંજાનો છોડ દૂર કરી ઘરમાં તપાસ કરતા 46 ગ્રામ ગાંજા સહિત 37 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
વડોદરા શહેરના સાવલી તાલુકાના ખોખર નવી નગરીમાં રહેતા એક વ્યક્તિએ ઘર આંગણે ગાંજાનો છોડ ઉગાડયો હતો અને ગાંજાની પડીકીઓ બનાવી તેનું વેચાણ કરતો હતો. પોલીસને માહિતી મળતા પોલીસે ગાંજાનો છોડ દૂર કર્યો હતો. તે સાથે તેના ઘરમાં સર્ચ કરીને 46 ગ્રામ ગાંજા સહિત હજારોનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.
વડોદરા શહેરના સાવલી તાલુકાના ખોખર ગામમાં નવી નગરીમાં રાવજીભાઇ ચિમનભાઇ તલાવીયા પરિવાર સાથે રહે છે. તેઓએ પોતાના ઘરના આંગણે નશાકારક ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું. ગાંજાના છોડનું વાવેતર કરીને તે ગાંજાની પડીકીઓ બનાવીને વેચાણ કરતો હતો. આ અંગેની જાણ જિલ્લા એસ.ઓ.જી.ને થતાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન રાવજી તલાવીયાના ઘર આંગણેથી નશાકારક ગાંજાનો લીલો છોડ મળી આવ્યો હતો.
પોલીસને એવી પણ માહિતી મળી હતી કે, રાવજી તલાવીયા છેલ્લા ઘણાં સમયથી ગાંજાની પડીકીઓ બનાવીને પણ વેચાણ કરે છે. આથી પોલીસે તેના ઘરમાં તપાસ કરતા ઘરમાંથી 46 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઘરમાંથી ગાંજાના વેચાણ માટે મળેલી રોકડ, મોબાઇલ ફોન, પ્લાસ્ટીકની થેલીઓ તેમજ અન્ય સામાન મળી કુલ રૂપિયા 37,600નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપી રાવજી તલાવીયતની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. ખોબલા જેવડા ખોખર ગામમાંથી નશાકારક ગાંજાનો છોડ મળી આવતા ચકચાર મચી ગઇ હતી.
આ બનાવ અંગે જિલ્લા એસ.ઓ.જી.ના પી.એસ.આઇ. એમ.બી. જાડેજાએ મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે રાવજી તલાવીયા ગાંજાની પડીકીઓ બનાવીને ક્યાં વેચતો હતો. આ ઉપરાંત ગાંજાની પડીકીઓ લેવા માટે ક્યાં ક્યાંથી નશેડીયો આવતા હતા, તે દીશામાં પણ તપાસ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવ અંગેની વધુ તપાસ જરોદ પોલીસ મથકના પી.આઇ. જે.બી. કરમુર કરી રહ્યા છે.