- જોબકાર્ડમાં હાજરી બતાવી બેંક ખાતામાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાતા હતા
- વરણામા પોલીસે કૌભાંડમાં નાસતા-ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી
વડોદરા તાલુકાના સમસાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડમાં ફરાર આરોપી કિશન શનાભાઈ રાઠોડની વરણામા પોલીસે ધરપકડ કરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આ ઘટનામાં શ્રમિક મહિલા મૃત્યુ પામી હોવા છતાં તેના નામે પાંચ મહિના સુધી મનરેગાના જોબકાર્ડમાં હાજરી બતાવી બેંકમાંથી બારોબાર પૈસા ઉપાડી લેવાયા હોવાનું બહાર આવતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. વરણામા પોલીસ સ્ટેશનમાં 2024ના ઓગસ્ટ મહિનામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં મનરેગા યોજનાની અરજી અનુસંધાન નિયામક ગ્રામ વિકાસ એજન્સી, વડોદરાની સૂચના મુજબ તપાસ હાથ ધરવામાં આવી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, સમસાબાદના જોબકાર્ડ ધારકોને જૂન-ડિસેમ્બર, 2022ના સમયગાળામાં 5 તબક્કે રોજગારી આપવા માટે જોબકાર્ડ ઇસ્યૂ કરવામાં આવ્યા હતા. જોબકાર્ડમાં હાજરી પૂરીને વેતનનાં નાણાં શ્રમિકોને બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતાં હતાં. જેમાં મૃત શ્રમિક ગંગાબેન રાવજીભાઇ પાટણવાડિયાના બેંક એકાઉન્ટમાં પણ રેગ્યુલર પૈસા જમા કરાવવામાં આવતા હતા.
સામાન્ય સંજોગોમાં શ્રમિકનું મૃત્યુ થયા બાદ તેમનું જોબકાર્ડ રદ કરાવવાનું હોય છે. જોકે આ કિસ્સામાં મૃતકનું નામ ચાલુ જ રખાયું હતું. તેની સામે મસ્ટર રોલમાં 75 દિવસની તેમની હાજરી પણ પૂરવામાં આવી હતી, જેના મહેનતાણા પેટે તેમના બેંક એકાઉન્ટમાં રૂા.17,925 જમા કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મનરેગા યોજના હેઠળ બેંક એકાઉન્ટમાં જમા થયેલા વેતનની રકમ શહેરના વાસણા-ભાયલી રોડ વિસ્તારમાં આવેલા બેંકના એટીએમ મશીનમાંથી ઉપાડી લેવામાં આવી હતી. ઉપરોક્ત ઘટના તાલુકા પંચાયતના ધ્યાનમાં આવતાં સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવ્યા બાદ વરણામા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ હતી. પોલીસે આ કૌભાંડમાં નાસતા-ફરતા આરોપી કિશન રાઠોડની ધરપકડ કરી હતી.