વડોદરાના મકરપુરા અને ખેડા જિલ્લામાં નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. આ શખસ મૂળ માલિકો પાસેથી ફોર-વ્હીલર ગાડીઓ ભાડે કે ગીરવેથી લઈને બારોબાર અન્ય વ્યકતિઓને સસ્તા ભાવે વેચાણ કરારથી આપી પરત ફોર-વ્હીલર ગાડીઓ ફરીયાદીને ન આપી છેતરપીંડી આચરનાર શખસને 11 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ફરિયાદી મકરપુરા પોલીસ મથકમાં ગત ઓગસ્ટ મહિનામાં ફરિયાદ આપી હતી અને જણાવ્યું હતું કે,આણંદના ભારેલ ગામે રહેતા કમલેશ રમણભાઈ પટેલે ફરિયાદીની આર્ટિગા કાર ભાડા કરાર કરીને મહિને 30 હજાર રૂપિયા ભાડું આપવાના નામે મેળવી હતી અને કાર લઈ ગયા બાદ ભાડું પણ આપ્યું નથી. જ્યારે ફરિયાદીએ કમલેશ પટેલ પાસે કાર માંગી તો ગલ્લા તલ્લા કરે છે. જે અંગે મકરપુરા પોલીસે ઓક્ટોબર માસમાં આર્ટિગા કાર લઈ જનાર આણંદના રહેવાસી કમલેશ પટેલ વિરુદ્ધ ગુન્હો દાખલ કર્યો હતો.
મકરપુરા પોલીસે આરોપી કમલેશ પટેલની શોધખોળ શરૂ કરી હતી. જેમાં બાતમીના આધારે કમલેશ ઉર્ફે કમો ઉર્ફે ગજની રમણભાઈ પટેલને મકરપુરા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી બે આર્ટિગા કાર તેમજ એક સ્કોડા કાર કબ્જે લેવામાં આવી છે. આ તમામ કાર ભાડે મેળવીને બરોબાર વેચાણ કરાર પર ખૂબ સસ્તામાં અન્ય કોઈને પધરાવી દેવામાં આવી હતી. પોલીસે ત્રણ ફોર વ્હીલર વાહનો અને મોબાઇલ પણ કબ્જે લીધો છે. જ્યારે આરોપી કમલેશ રમણભાઈ પટેલની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું છે કે, ખેડાના મહેમદાવાદ, નડિયાદ રૂરલ તેમજ વડોદરાના માંજલપુર પોલીસ મથકમાં છેતરપીંડીના ગુન્હામાં આરોપી વોન્ટેડ છે. 26 તારીખે ઝડપી પડેલા આરોપી કમલેશ પટેલને મકરપુરા પોલીસે કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડ મેળવ્યા બાદ રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે.