દશામાની શોભાયાત્રામાં હુમલામાં ઘાયલ યુવકનું મોત થતાં મારામારીમાં સામેલ 3 યુવકની ધરપકડ

ગધેડા માર્કેટ પાસે ગત ગુરુવારે શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થયો હતો

MailVadodara.com - Arrest-of-3-youths-involved-in-the-fight-after-the-death-of-the-injured-youth-in-the-Dashama-procession

- પોલીસે શોભાયાત્રાના સંચાલક, સહ સંચાલકો, બેન્ડ સંચાલક અને સાઉન્ડ સિસ્ટમના સંચાલક સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હતો


વડોદરામાં દશામાની શોભાયાત્રામાં નાચવા બાબતે ઝઘડો થતા ૩ શખ્સોએ મળી યુવક પર હુમલો કર્યો હતો. જેને પગલે ઇજાગ્રસ્ત યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પાણીગેટ પોલીસે હત્યાના કેસમાં ત્રણેય આરોપીઓને ઝડપી પાડી અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મામલે શોભાયાત્રાના સંચાલક, સહ સંચાલકો, બેન્ડ સંચાલક અને સાઉન્ડ સિસ્ટમના સંચાલક સામે પણ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે.

વડોદરાના કિશનવાડી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં રહતો પીયુષ ઠાકોર ગત તા.01/08/2024ના ગધેડા માર્કેટથી ઠેકરનાથ મહાદેવ મંદિર તરફ નીકળેલી દશામાની શોભાયાત્રામાં ગયો હતો. આ સમયે પીયુષ બેન્ડવાજાની આગળ નાચતો હતો અને બીજા માણસો પણ નાચતા હોય ખૂબ જ ભીડ થયેલી હતી, તેમાં એક યુવક સામે અડીને ચાલતો હોવાથી પીયુષનો હાથ તેને અડી ગયો હતો. તે યુવક પીયુષ સાથે ગાળાગાળી કરી ઝઘડો કરવા લાગ્યો હતો. જેથી પીયુષે ગાળો બોલવાની ના પાડતા તે ભાઇ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેણે તેના હાથમાં કડા જેવુ કંઇક પહેર્યું હોવાથી તે માથામા મારી દેતા પીયુષનું લોહી નિકળવા લાગ્યું હતું. પીયુષ ત્યાંથી દોડીને ભાગતા ડિવાઇડર સાથે અથડાતા પડી ગયો હતો. બાકીના કેટલાક લોકોએ લાતો મારી હતી. જ્યાં હાજર તેના મિત્રોએ છોડાવ્યો હતો અને સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં પીયુષનું સારવાર દરમિયાન ગઇકાલે (6 ઓગસ્ટ) મોત થયું હતું. આ મામલે પાણીગેટ પોલીસે ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

આ દરમિયાન પાણીગેટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એચ.એમ.વ્યાસે સીસીટીવી ફૂટેજ, ખાનગી વીડિયોની ચકાસણી  હાથ ધરી  હતી. આ ગુનામાં સામેલ ધર્મેશ નગીનભાઇ સોલંકી, રવિ જીવનભાઇ તડવી તથા રાહુલ ભાઇલાલભાઇ પરમાર (ત્રણેય રહે. વુડાના મકાનમાં, કિશનવાડી)ને ઝડપી પાડી ઓળખ પરેડ કરાવી છે.

આ ઉપરાંત પાણીગેટ પોલીસે દશામા શોભાયાત્રાના આયોજક સંતોષ બુધાભાઇ માછી, સહ આયોજક વિષ્ણુ કિરીટભાઇ વસાવા, મહેશ અશ્વિનભાઇ વસાવા, ઉમંગ રાજેશભાઈ વસાવા, રતન હિંમતરાવ પાટીલ, સુપર ઝંકાર બેન્ડના સંચાલક સતિષ રાણા અને ન્યૂ ભટ્ટ સાઉન્ડ સિસ્ટમના સંતાલક ઉત્કર્ષ ભટ્ટ સામે પાણીગેટ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો છે. 1 ઓગસ્ટે નીકળેલી દશામાની આગમનની શોભાયાત્રાની મંજૂરી રાત્રે 10 વાગ્યા સુધીની જ હતી તેમછતાં શોભાયાત્રા રાત્રે 12.55 વાગ્યા સુધી ચાલી હતી. આ પહેલા 10 વાગ્યાની આસપાસ પોલીસે આયોજક સંતોષ માછીને શોભાયાત્રા પૂર્ણ કરવા સમજાવ્યા હતા, પરંતુ તેઓ માન્યા નહોતા અને શોભાયાત્રા ચાલુ રાખી હતી, જેથી પોલીસે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments