- રાજકરણીઓની જિહજૂરિયાગીરી કરનારા શખ્સોએ શહેરને હૉર્ડિંગ્સના જંગલમાં ફેરવી દીધું હતું..?!!
વડોદરા શહેરમાં ગેરકાયદે હોર્ડિગ્સ લગાડનારા તત્વોનો રાફડો ફાટ્યો છે. પોતાના આર્થિક ફાયદા માટે મનફાવે ત્યાં હૉર્ડિંગ્સ લગાડી પાલિકાને મહિને દહાડે લાખો રૂપિયાનો ચૂનો લગાવતાં તત્વોએ રીતસર શહેરને બાનમાં લઈ હોર્ડિંગ્સના જંગલમાં ફેરવી દીધું છે. ત્યારે આજે પાલિકાના તંત્રએ એક સાથે આખા શહેરમાં ઝુંબેશ ઉપાડી રોડ-રસ્તા પરના 160 હૉર્ડિંગ્સ દુર કરી શહેરને હૉર્ડિંગ્સ મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદે હૉર્ડિંગ્સો દુર કરાવની ઝુંબેશ ચાલુ રહેશે, તેમ ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.
વડોદરા પાલિકાની જમીન મિલકત કોમર્શિયલ શાખાએ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની જગ્યા અને રોડ-રસ્તા પર કોમર્શિયલ હોર્ડિંગ્સ લગાવવા આખા શહેરમાંથી એક પણ વ્યક્તિને સત્તાવાર મંજૂરી આપી નથી, તેમ છતાં રાજકરણીઓની જિહજૂરિયાગીરી કરનારા શખ્સોએ શહેરને હૉર્ડિંગ્સના જંગલમાં ફેરવી દીધું હતું. મનફાવે તેમ પાલિકાની જગ્યામાં આડેધડ ગેરકાયદે હૉર્ડિંગ્સો ઠોકી બેસાડ્યા હતા. તેમ છતાં પાલિકા દ્વારા રાજકિય દબાણને વશ થઈ કોઈ કાર્યવાહી કરાતી ન હતી, પરંતુ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોને ઠેર ઠેર હૉર્ડિંગ્સો લગાવવાની લ્હાણી કરવાની મેયરની ભલામણ સાથેની દરખાસ્તને લઈ વિવાદ થતાં શહેરમાં ગેરકાયદે લાગેલા હૉર્ડિંગ્સોનો પણ મુદ્દો ઉછળ્યો હતો. જેથી આજે પાલિકાની ટીમે આખા શહેરમાં ફરી 160 ગેરકાયદે હૉર્ડિંગ્સનોને દુર કરી સપાટો બોલાવ્યો હતો.
આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મુકાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે, ટેસ્ટ ઓફ વડોદરા ઈવેન્ટના કોમર્શિયલ હેતુના હૉર્ડિંગ્સ તદ્દન હંગામી ધોરણે લગાવવા પરવાનગી આપવા અંગે નિર્ણય થવા અને પરવાનગીના કિસ્સામાં જણાવેલા વિકલ્પો પૈકીના લાગત દર, હૉર્ડિંગ્સની મહત્તમ સંખ્યા અને સ્થળો નક્કી કરવા તથા આ કામ સબંધિત તમામ સત્તાઓ મ્યુનિસિપલ કમિશનરને આપવાનો ઉલ્લેખ હતો. આ દરખાસ્તને લઈ વિવાદ થયો હતો કારણ કે, દરખાસ્ત પહેલા ઠેક-ઠેકાણે ઈવેન્ટને લગતાં હૉર્ડિંગ્સ લાગી ગયા હતા. જેને પાલિકાએ દુર કરવાની તસ્દી લીધી ન હતી.