- જાહેર રોડ પર ખાડા કરી હોળી પ્રગટાવતા ડામર પીગળી જાય છે અને રોડને નુકસાન થાય છે, જેમાં છેવટે કોર્પોરેશનને રીપેરીંગ પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે
શહેરમાં વિવિધ વિસ્તારમાં જાહેર રસ્તા, જંક્શન અને સોસાયટીઓના આંતરીક માર્ગ પર હોળી પ્રગટાવે છે. જેને કારણે રોડને નુકસાન પહોંચે છે. જેથી પાલિકાએ હોળી નિમિત્તે લોકોને અપીલ કરતાં કહ્યું છે કે, હોળી પ્રગટાવતાં પૂર્વે રોડ પર લીંપણ કરે જેથી ડામરના રોડને નુકસાન ન થાય. વર્ષોથી સોસાયટીના આંતરિક રસ્તા, જાહેર રસ્તા અને જંક્શન પર હોળી પ્રગટાવાય છે.
આવતીકાલે 24મીના રોજ હોળીનું પર્વ ઉજવાશે. આ દિવસે સાંજે શહેરમાં ઠેક-ઠેકાણે હોલિકા દહન કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા ડામર રોડને નુકસાન ન થાય તે રીતે હોળી પ્રગટાવવા લોકોને અપીલ કરી છે. સામાન્ય રીતે લોકો જાહેર રોડના જંકશન પર, સોસાયટીઓના આંતરિક માર્ગ પર હોળી પ્રગટાવે છે. લોકો જાહેર ડામર રોડ પર લાકડા, ઘાસ, છાણા વગેરે એકઠા કરીને અને ખાડો ખોદીને હોળી પ્રગટાવે છે. જેના લીધે ડામર પીગળી જવાથી અને ખાડા કરવાને લીધે રોડ તૂટે છે. જેમાં છેવટે કોર્પોરેશનને રીપેરીંગ પાછળ બિનજરૂરી ખર્ચ થાય છે, એટલું જ નહીં ખાડો ખોદે છે, ત્યારે નીચે પસાર થતી ગેસ લાઇન પર પણ જોખમ ઊભું થાય છે. ખાડો ખોદવાને લીધે દિવસો સુધી ખાડો જેમનો તેમ રહે છે અને ખાડાને લીધે અકસ્માતનો ભય રહે છે.
વડોદરા કોર્પોરેશને શહેરીજનો અપીલ કરી છે કે, જ્યાં હોળી પ્રગટાવવી હોય ત્યાં ડામર રોડ પર છાણ, માટીનું જાડું લીપણ કરીને અથવા તો રોડ પર ઈંટ અથવા રેતી અને માટીના થર પાથર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે તો જાહેર માર્ગોને થતું નુકસાન મોટાભાગે નિવારી શકાય તેમ છે. ડામર રોડ પર હોળી પ્રગટાવવાથી ગરમી ઉત્પન્ન થાય છે અને તેને કારણે ડામર પીગળી જાય છે. ડામર પીગળવાથી રસ્તા તૂટી જાય છે અને તેના સમારકામ પાછળ બિનજરૂરી ખર્ચો પાલિકાના માથે પડે છે. તદુપરાંત વાહનચાલકોને પણ પરેશાની થાય છે.