- અંદાજે 10 ફૂટના મગરને ભારે મુશ્કેલી બાદ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાયો
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં વધુ એક મગરનું મોત થતા જીવદયા પ્રેમીઓમાં આઘાતની લાગણી વ્યક્ત થઈ છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટની હજી શરૂઆત થઈ નથી ત્યાં મગરોના મૃતદેહ મળવા માંડતા ચકચાર વ્યાપી છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વામિત્રી નદીમાંથી કોઈ અગમ્ય કારણોસર મગરના મૃતદેહ મળી આવવાના બનાવ બની રહ્યા છે. એક મહિના પહેલા એક જ દિવસે બે મગરના મૃતદેહ મળ્યા હતા. જેના મૃત્યુનું કારણ હજુ જાણી શકાયું નથી.
આજે સવારે પરશુરામ ભઠ્ઠા નજીક વધુ એક મહાકાય મગરનો મૃતદેહ નદીમાં તરી આવતા લોકોના ટોળા ભેગા થયા હતા. હેમંત વઢવાણા અને તેમની ટીમે ફાયરબ્રિગેડ તેમજ ફોરેસ્ટ વિભાગની મદદ લીધી હતી અને અંદાજે 10 ફૂટના મગરને ભારે મુશ્કેલી બાદ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
નોંધનીય છે કે, છેલ્લા ત્રણ મહિનામાં મગરના મૃતદેહ મળી આવવાનો આ સાતમો બનાવ છે. જેથી મગરના મોતનું કારણ જાણવું ખૂબ જ જરૂરી બન્યું છે.