પાદરાના અભોર ગામે ઘર આંગણે બેઠેલી મહિલાને અડફેટે લઈ બેકાબુ ટેમ્પો ઘરમાં ઘૂસ્યો,બેનો બચાવ

ઘર નજીક ભેંસાસુર મહારાજના મંદિરે માનતા પૂરી કરવા પરિવાર ટેમ્પો લઇને આવ્યો હતો

MailVadodara.com - An-uncontrolled-tempo-rammed-into-a-woman-sitting-in-the-courtyard-of-her-house-in-Abhor-village-of-Padra-two-were-rescued

- બે યુવાન પૈકી એકે ટેમ્પાને શરૂ કરી એક્સીલેટર દબાવી દેતા ટેમ્પો બેકાબુ બન્યો

- ઘર આંગણે બેઠેલી મહિલાને અડફેટે લઇ ટેમ્પો દરવાજો-દિવાલ તોડી ઘરમાં ઘૂસ્યો હતો

- વડુ પોલીસે રાર થઇ ગયેલા આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના અભોર ગામમાં ગતરોજ (9 માર્ચ) ઘર આંગણે બેઠેલી મહિલાને બેકાબુ બનેલા ટેમ્પોએ અડફેટે લીધા બાદ ધડાકાભેર ઘરમાં ઘૂસી ગયો હતો. આ ઘટનામાં મહિલાનું સ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજયું હતું. ઘરનો દરવાજો અને દિવાલ ધરાશાયી થઇ ગઈ હતી. સદભાગ્યે ઘરમાં હાજર પતિ અને દીકરીનો આબાદ બચાવ થયો હતો. યમદૂત બનેલા ટેમ્પામાં યુવાનો ભેસાસુર મહારાજની માનતા પૂરી કરવા આવ્યા હતા. ગામમાં હાહાકાર મચાવી મૂકનાર આ બનાવ અંગે વડુ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે, અભોર ગામમાં ભેંસાસુર મહારાજના મંદિરે પાસે ભીમાભાઇ મહિજીભાઇ તેમની પત્ની સવિતાબેન અને બે દીકરી રેખા, લીલા અને પુત્ર ખોડો રહે છે. પરિવાર મજુરી કામ કરીને ગુજરાત ચલાવે છે. રવિવારે સમી સાંજે 45 વર્ષિય સવિતાબહેન ઘર આંગણે બેઠા હતા. તેમના પતિ ભીમાભાઇ અને દીકરી લીલા ઘરમાં હતા. તે દરમિયાન તેઓના ઘર પાસે આવેલ ભેંસાસુર મહારાજના મંદિરે માનતા પૂરી કરવા માટે પરિવાર ટેમ્પો લઇને આવ્યો હતો.

પરિવારના અન્ય સભ્યો ભેંસાસુર મહારાજના મંદિરમાં હતા અને બે યુવાનો ટેમ્પોના કેબિનમાં બેઠા હતા. દરમિયાન ટેમ્પોના કેબિનમાં બેઠેલા બે યુવાન પૈકી એક યુવાને ટેમ્પો ચાલુ કરીને એક્સીલેટર દબાવી દેતા ટેમ્પો બેકાબુ બન્યો હતો. ઘર આંગણે બેઠેલા સવિતાબેનને અડફેટમાં લઇને ઘરનો દરવાજો અને દિવાલ તોડી ઘરમાં ઘૂસી ગયો હતો.


બેકાબુ બનેલો ટેમ્પોની અડફેટમાં આવેલા સવિતાબહેનની મરણચિસોથી અને ધડાકા સાથે ઘરમાં ઘૂસેલા ટેમ્પોનો અવાજ સાંભળી ઘરમાં હાજર સવિતાબેનના પતિ ભીમાભાઇ અને તેમની દીકરી લીલા એક તબક્કે ગભરાઇ ગયા હતા અને ઘરની બહાર દોડી આવ્યા હતા. બીજી બાજુ ફળિયામાં રહેતા લોકો પણ આ ઘટનાનો અવાજ સાંભળી દોડી આવ્યા હતા. જોકે, આ ઘટના બનતા જ અને લોકો આવી પહોંચે તે પહેલા ટેમ્પોમાં બેઠેલા બે યુવાનો ટેમ્પો સ્થળ પર મૂકી ફરાર થઇ ગયા હતા. બીજી બાજુ ફળિયાના લોકોએ ટેમ્પોને દૂર કરીને મોતને ભેટેલા સવિતાબેનને બહાર કાઢ્યા હતા. આ ઘટના બનતા જ પતિ ભીખાભાઇ તેમજ તેમના સંતાનોના હૈયાફાટ રુદને સન્નાટો પાથરી દીધો હતો.

દરમિયાન આ બનાવ અંગેની જાણ વડુ પોલીસ મથકને કરવામાં આવતા પીએસઆઇ એસ.એચ. પાટીલ સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને મૃતદેહનો કબજો લઇને પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. પોસ્ટમોર્ટમ થયા બાદ પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. પરિવાર દ્વારા અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે ભીમાભાઇએ વડુ પોલીસ મથકમાં ટેમ્પો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. વડુ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને ફરાર થઇ ગયેલા આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ ગામમાં ગમગીની ફેલાવી દીધી હતી. તે સાથે ભારે ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments