- અલકાપુરી રેલવે ગરનાળા પાસે યુવકને ગભરામણ થતાં સારવાર માટે ખસેડાયો
વડોદરા શહેરમાં હાલમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધને ગભરામણ થવાથી બેહોશ થઈ ગયા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અલકાપુરી રેલવે ગરનાળા પાસે યુવકને ગભરામણ થઈ હોવાની ફરિયાદ કરતા સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર શહેરના મકરપુરા વિસ્તારના એરફોર્સ રોડ પર નીલકંઠ રેસિડેન્સીમાં રહેતા 56 વર્ષના મનોજકુમાર મંગળભાઈ સોલંકી ગતરાત્રે પોતાના ઘરે હતા. ત્યારે તેમને ચક્કર આવવા લાગ્યા હતા અને ગભરામણ થતી હોવાની જાણ તેમના પરિવારજનોને કરી હતી. તેમને સારવાર મળે તે પૂર્વે તેવો બેહોશ થઈ ગયા હતા. પરિવારજનો દ્વારા તેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બીજા બનાવમાં શહેરના અલકાપુરી રેલવે ગરનાળા નજીક ગાયત્રી ચેમ્બર્સ પાસેથી પસાર થયેલા 49 વર્ષના અવિનાશ રણજીતસિંહ યાદવને ગત રાત્રે 11.30 વાગ્યે ગભરામણ થતી હતી. દર્દીને તાવ કફ હોવાથી 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યાં તેઓની હાલમાં સારવાર ચાલી રહી છે.
મહત્વની બાબત છે કે, હાલમાં શહેરમાં કાળઝાળ ગરમીમાં લોકો શેકાઈ રહ્યા છે. નિષ્ણાતો કહી રહ્યા છે કે નાના બાળકો અને સિનિયર સિટીઝને કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ. ગરમીમાં જરૂરી પ્રમાણમાં પાણી પીવું જોઈએ અને ખાટા ફળો ખાવા જોઈએ. સાથે જરૂરિયાત પ્રમાણે અને કામ સિવાય બહાર ન ફરવું જોઈએ.