પાદરામાં મંદિરેથી દર્શન કરીને ઘરે જતાં વૃદ્ધાને ગાયે ભેટી ચઢાવતા રોડ પર પટકાયા, સારવાર બાદ મોત

90 વર્ષીય ધૂળીબેન રાણાને નાક, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી

MailVadodara.com - An-old-man-fell-on-the-road-while-going-home-after-visiting-the-temple-in-Padra-died-after-treatment

- ઇજાગ્રસ્ત વૃદ્ધાને સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવાના બદલે ડિસ્ચાર્જ કરી દેવામાં આવતા મોત નીપજ્યું હોવાનો આક્ષેપ


વડોદરાના પાદરા નગરમાં મંદિરે દર્શન કરીને પરત ફરી રહેલા એક વૃદ્ધાને ગાયે ભેટીએ ચઢાવતા મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. આ બનાવમાં ઇજાગ્રસ્ત વૃદ્ધાને સયાજી હોસ્પિટલમાં યોગ્ય સારવાર આપવાના બદલે ડિસ્ચાર્જ કરી દેવામાં આવતા વૃદ્ધાનું આજે વહેલી સવારે પોતાના ઘરમાં મોત નીપજ્યું હોવાનો આક્ષેપ નગરપાલિકાના સભ્યએ કર્યો હતો. આ બનાવે નગરમાં ચકચાર જગાવી મૂકી છે.

મળેલી માહિતી પ્રમાણે પાદરામાં રાણા વાસમાં રહેતા 90 વર્ષીય ધૂળીબેન ચુનીલાલ રાણા રવિવારે સવારે 11 વાગ્યાના કુમારે પોતાના ઘર પાસે આવેલા ભાથુજીના મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન ઓધવભૂલાની ખડકી અને રાણાવાસ વચ્ચે બેસી રહેતી ગાયોના ટોળા પૈકી એક ગાયે વૃદ્ધ ધૂળીબેન રાણાને ભેટીએ ચઢાવ્યા હતા. ગાયે ભેટી ચઢાવતાની સાથે જ ધૂળીબેન રસ્તા ઉપર પટકાયા હતા. જેમાં તેઓને નાક, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.


આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેમાં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વર્તમાન સભ્ય રાજુભાઈ રાણા પણ દોડી ગયા હતા અને ઇજાગ્રસ્તને પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વડોદરા શહેર હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. સયાજી હોસ્પિટલમાં તેઓને મોડી સાંજે રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન આજે સવારે ધૂળીબેનનું પોતાના ઘરમાં મોત નીપજ્યું હતું.


સમાજના અગ્રણી અને નગર પાલિકા સભ્ય રાજુભાઈ રાણાએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, વડોદરા સયાજી હોસ્પિટલમાં વૃદ્ધા ઘુળીબેન રાણાને યોગ્ય સારવાર આપવામાં આવી ન હતી. મોડી સાંજે તેઓને સારું છે તેમ જણાવીને રજા આપી દેવામાં આવી હતી. દરમિયાન આજે વહેલી સવારે ધૂળીબેનનું પોતાના ઘરમાં જ મોત નીપજ્યું હતું. ગાયે ભેટી મારતા ધૂળીબેનના થયેલા મોતના બનાવે પાદરા નગરમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.


ઉલ્લેખનીય છે કે, પાદરા નગરમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના અભાવના કારણે દર્દીઓને સ્ટ્રેચરમાં લઈ જવા લાવવા માટે પરિવારજનોએ જ સ્લીપર બનવું પડે છે. રવિવારે પાદરા નગરમાં ગાયના હુમલામાં ઇજા પામેલા વૃદ્ધા ધૂળીબેનને પ્રથમ પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં પરિવારજનોને સ્ટ્રેચર લાવીને સ્ટ્રેચર ઉપર ઓપરેશન રૂમમાં લઈ જવાની ફરજ પડી હતી. પાદરા નગરના લોકો દ્વારા અવારનવાર હોસ્પિટલમાં પૂરતા સ્ટાફની માંગણી કરવામાં આવી છે. છતાં પણ આરોગ્ય વિભાગ દ્વારા સ્થાનિક લોકોની રજૂઆતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી.

Share :

Leave a Comments