- 75 એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા ભવિષ્યમાં વિસ્તારી શકાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહી નદી ખાતે બનાવેલા ચાર ફ્રેન્ચ કૂવામાંથી શહેરીજનોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ચાર ફ્રેન્ચ કુવા પૈકી રાયકા કૂવામાંથી અપાતા પાણીમાં લીલ આવતી હોવાથી તેમજ પીળાશ પડતું મળતું હોવાના કારણે હોબાળો મચ્યો હતો. હજુ પણ આ પ્રશ્ન હલ થયો નથી.
આ દરમિયાન કોર્પોરેશન દ્વારા રાયકા કુવા ખાતે પંપીંગ મશીનરી સહિત 245 કરોડના ખર્ચે 175 એમએલડી ક્ષમતાનો ઈન્ટેકવેલ તથા 75 એમએલડીનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા નક્કી કરવામાં આવ્યું છે. વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ભવિષ્યમાં વધુ 75 એમએલડી સુધી વિસ્તરિત કરી શકાશે. હાલ આ માટે ડીટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે, અને હજુ તેની ટેન્ડર પ્રક્રિયા બાકી છે. કોર્પોરેશને ચાલુ વર્ષના બજેટમાં આ પ્રોજેક્ટની જાહેરાત પણ કરી હતી. જેમાં ટ્રાન્સમિશન લાઈન નાખી પાંચ વર્ષના ઓપરેશન અને મેન્ટેનન્સનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે.
ગયા અઠવાડિયે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર સભા મળી ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાએ પણ કહ્યું હતું કે શહેરમાં છેલ્લા 20 દિવસથી મહી નદીથી પીળા કલરનું પાણી લોકોને મળે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને કોર્પોરેશનએ આ પાણી પીવાલાયક છે, એવો રિપોર્ટ આપી દીધો છે પરંતુ પીળા રંગમાં પાણીની સમસ્યા બહુ સુધરી નથી. પીળું પાણી લીલને લીધે થાય છે કે પછી નજીકમાં આવેલા ઉદ્યોગોના દૂષિત પાણીના કારણે તેની તટસ્થ એજન્સી દ્વારા તપાસ થવી જોઈએ. તેમણે માત્ર રાયકા જ નહીં પરંતુ બીજા કુવા પર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની માગણી કરી હતી.
કોંગ્રેસના નેતાનું કહેવું છે કે, કોર્પોરેશનમાં ભાજપના શાસનકાળ દરમિયાન સિંધરોટને બાદ કરતા પાણીનો નવો કોઈ સોર્સ ઉભો કરવામાં આવ્યો નથી. વસ્તી અને વિસ્તાર વધતા પાણીનો જે સોર્સ ઉભો કર્યો છે તે પણ માંગ વધતા સરવાળે સરખું જ રહે છે. માત્ર રાયકા જ નહીં મહી નદી પર આવેલા બીજા કુવા દોડકા, પોઇચા અને ફાજલપુર ખાતે પણ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની જરૂર છે અને તેનો ખર્ચ રાજ્ય સરકારે જ ઉઠાવવો જોઈએ. કારણ કે નદીના પાણીનું સંરક્ષણ કરવાની જવાબદારી રાજ્ય સરકારની છે.
મહી નદી ઉપરાંત કોર્પોરેશન ઐતિહાસિક આજવા સરોવરથી શહેરને પાણી આપે છે. આજવા સરોવરથી મળતા પાણીને શુદ્ધ કરવા માટે નિમેટા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, પરંતુ મહી નદીથી જે પાણી મળે છે, તેમાં પાણી માટે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નથી. રાયકા ખાતેનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનતા હજુ બે અઢી વર્ષ નીકળી જશે. કુવાઓથી શહેરીજનોને પાણી આપવામાં આવે છે તેનું માત્ર જે તે ઓવરહેડ ટાંકી ખાતે ક્લોરીનેશન કરવામાં આવે છે. કોર્પોરેશનમાં તો છેલ્લા ઘણા વર્ષથી રજૂઆત થાય છે કે મહી નદીના આ કુવા ખાતે કોર્પોરેશને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા જોઈએ. જો આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યા હોત તો શહેરીજનોને જે દૂષિત પાણી પીવું પડ્યું છે તેનો વારો ન આવત.