- રેલવે સત્તાધીશોએ મગરનો જીવ બચાવવા ગુડ્ઝ ટ્રેનને 1 કલાક રોકી રાખી
વડોદરા નજીક કરજણ રેલવે ટ્રેક પર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા મગરનું રેસ્કયૂ કરવા માટે એક કલાકથી વધુ સમય માટે ટ્રેન રોકી રાખવી પડી હતી.
વડોદરા-ભરૂચ વચ્ચે કરજણ નજીક આવેલા ખાંધા ગામ પાસેના રેલવે ટ્રેક પર ગઇકાલે બપોરે પાંચ ફૂટનો એક મગર ઇજાગ્રસ્ત હાલતમાં પડ્યો હોવાની વિગતો મળતાં કરજણના આરએફઓ જયેશભાઇ રાઠોડ અને ટીમ કામે લાગ્યા હતા. રેલવે સત્તાધીશોએ મગરનો જીવ બચાવવા માટે ત્યાંથી પસાર થનારી ગુડ્ઝ ટ્રેનને એક કલાકથી વધુ સમય માટે રોકી રાખી હતી. ફોરેસ્ટની ટીમ સાથે જીવદયા કાર્યકરો પણ જોડાયા હતા અને ખૂબ જ કાળજીપૂર્વક મગરનું રેસ્ક્યૂ કર્યું હતું. મગરને જડબાના ભાગે ઇજા થઇ હોવાથી તેને આણંદ ખાતે સારવાર આપવામાં આવી હતી અને ત્યાંથી વડોદરા લાવવામાં આવ્યો હતો. મગર સાજો થઇ જશે ત્યારબાદ તેને સુરક્ષિત સ્થળે છોડવામાં આવશે.