અટલાદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતા એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે કંપની સાથે 23.36 લાખની છેતરપિંડી આચરી

કંપનીના કર્મચારીઓએ હજી પગાર થયો નથી કહેતા કૌભાંડનો ભાંડો ફૂટ્યો

MailVadodara.com - An-executive-director-working-in-a-private-company-of-Atladara-defrauded-the-company-to-the-tune-of-23-36-lakhs

- એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે 11.75 લાખ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરીને બાકીના 23.36 લાખ નહીં આપતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરાના અટલાદરા ખાતે આવેલી પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા એક્ઝિક્યુટિવ ડાયરેક્ટરે કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી 35 લાખ બારોબાર તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. કંપનીના ડાયરેક્ટર વિદેશથી પરત આવતા કર્મચારીઓએ જણાવ્યું હતું કે, પગાર થયો નથી ત્યારે એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરે 11.75 લાખ કંપનીના ખાતામાં ટ્રાન્સફર કરીને બાકીના 23.36 લાખ નહીં આપતા તેના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

પાદરાના સત્યમ નગરમાં રહેતા મિતેશ જનકભાઈ ખરાદીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, અટલાદરા ખાતે આવેલી પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરું છું. અમારી કંપનીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રાજીવ સિંઘ (રહે.ઝારખંડ) નોકરી કરતા હતા. કંપની તરફથી તેમને એક લેપટોપ ઇસ્યુ કરાયું હતું. કંપનીનો તમામ હિસાબ તથા ડેટા તેમની પાસે રહેતો હતો. નેટબેન્કિંગનો કંપનીનો ટ્રાન્ઝેક્શનનો અધિકાર પણ તેને જ આપ્યો હતો. મહિનામાં એકથી બે વાર તેઓ અમારી કંપનીમાં આવતા હતા અને ત્રણથી ચાર દિવસ રોકાયા બાદ પરત નીકળી જતા હતા. કંપનીના ડિરેક્ટર અરુણકુમાર સિદ્ધનાથ પ્રસાદ સિંહા મેથી જુલાઈ દરમિયાન વિદેશ ગયા હતા. તેઓ પરત આવ્યા હતા ત્યારે કંપનીમાં કામ કરતાં કર્મચારીઓએ તેમને ફરિયાદ કરી હતી કે, તેમને પગાર આપવામાં આવ્યો નથી. જેથી, અમારી કંપનીના એકાઉન્ટની તપાસ કરવા ડિરેક્ટરે જણાવ્યું હતું.

કર્મચારીઓએ તપાસ કરતા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રાજીવ કુમાર સિંગે તેના પોતાના બેન્કમાં ટ્રાન્ઝેક્શન કરીને કંપનીના એકાઉન્ટમાંથી રૂપિયા 35 લાખ ટ્રાન્સફર કરી બારોબાર ઉપાડી લીધા હતા. ડિરેક્ટર અરુણકુમાર તેમને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કરતા તેઓ ઉપાડતા ન હતા. ત્યારબાદ રાજીવ કુમારે મેલ કરીને રૂપિયા 35.36 લાખની રકમ ચૂકવી આપવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ તેણે રૂપિયા 11.75 લાખ ઓનલાઇન કંપનીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે બાકીના 23.36 લાખ તથા લેપટોપ પરત નહીં કરીને છેતરપિંડી આચરી છે.

Share :

Leave a Comments