વડોદરામાં અમૂલ પાર્લરમાં કામ કરતા કર્મચારીએ સ્ટાફની નજર ચૂકવી ઘીના 170 પાઉચની ચોરી કરી

આ પહેલા અમૂલ પાર્લરોમાંથી દૂધની થેલીઓ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી

MailVadodara.com - An-employee-working-at-an-Amul-parlor-in-Vadodara-stole-170-sachets-of-ghee-while-watching-the-staff

- ચોરીની સમગ્ર ઘટના દુકાનના CCTVમાં કેદ, આરોપી ઘીના પાઉચ પેન્ટની અંદર કમરના ભાગે નાખતો દેખાયો, માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના અલવાનાકા રોડ પર અમૂલ પાર્લરમાં કામ કરતા કર્મચારીએ 50 હજાર રૂપિયાની કિંમતના ઘીના 170 પાઉચની ચોરી કરી હતી. આ મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


વડોદરા શહેરના અલવાનાકા કોતર તલાવડી દર્શનનગરમાં રહેતા વેપારી સચિનભાઇ ગેહલોટ (ઉ.36)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું છે કે, મેં અમૂલ ડેરીની ફ્રેન્ચાઇઝી લીધેલી છે અને હું અલવાનાકા રોડ પર આવેલ પ્રથમ એન્ટરપ્રાઇઝ નામની દુકાનમાં ચલાવુ છું. અમારે ત્યાં અશોક સુધાકર કટારીયા (રહે. મારુતીધામ હાઉંસિગ સોસાયટી, જીઆઇડીસી રોડ, વડોદરા) છેલ્લા 15 દિવસથી મજૂરીકામ કરે છે. અમારી દુકાનમાં સ્ટાફની નજર ચૂકવીને અશોક કટારીયાએ 28 હજારની કિંમતના અમૂલ ડેરીના ઘીના 500 ગ્રામના 140 પાઉચની ચોરી કરી હતી અને 12 હજારની કિંમતના 1 લિટરના 30 પાઉચની ચોરી કરી હતી.


આરોપી અશોક કટારીયા પોતાના પેન્ટના કમરના ભાગે નાખી ચોરી કરતો હતો અને રોજ થોડા-થોડા ઘીના પાઉચ લઇ જતો અને ધીમે-ધીમે તેણે 50 હજારની કિંમતના 170 જેટલા ઘીના પાઉચની ચોરી કરી હતી. ચોરીની આ સમગ્ર ઘટના અમારી દુકાનના CCTVમાં કેદ થઇ ગઈ હતી. જેમાં આરોપી ઘીના પાઉચ પેન્ટની અંદર કમરના ભાગે નાખતો દેખાય છે, જેથી આ મામલે અમે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.


આ પહેલા વડોદરા શહેરમાં અમૂલ પાર્લરોમાંથી દૂધની થેલીઓ ચોરી થવાની ઘટનાઓ સામે આવી હતી. આ ઉપરાંત સફરજનની ચોરીની ઘટના પણ સામે આવી હતી ત્યારે હવે ઘી ચોરીની ઘટના બની છે.

Share :

Leave a Comments