- સિમેન્ટનું ડમ્પર એટલી સ્પીડમાં હતું કે વૃદ્ધાને અડફેટે લીધા બાદ ડીપીમાં ભટકાતા ડીપી પણ જમીનદોસ્ત થઇ ગઇ હતી
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની વાલાવાવ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ખેતરના કિનારે ઉભેલા વૃદ્ધાને હાઈવા ડમ્પરે અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. વૃદ્ધાને અડફેટે લીધા બાદ ડમ્પર નજીકમાં આવેલ DP સાથે ભટકાયું હતું. ડમ્પર જોરદાર રીતે ભટકાતા DP જમીનદોસ્ત થઇ ગઇ હતી. આ બનાવ અંગે ડેસર પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે ડેસર તાલુકાના વાલાવાવ ગામમાં રહેતા 70 વર્ષીય લીલાબેન પ્રભાતસિંહ રાઠોડ વાલાવાવ ચોકડી પાસેના એક ખેતરમાં પશુ ચરાવવા ગયા હતા. લીલાબેન ખેતરના કિનારે ઉભા હતા તે દરમિયાન ઉદલપુર તરફથી પુરપાટ ઝડપે આવી રહેલા સિમેન્ટ ડમ્પરે લીલાબેનને અડફેટે લેતા તેમનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સિમેન્ટ ડમ્પર એટલું સ્પીડમાં હતું કે વૃદ્ધાને અડફેટે લીધા બાદ ખેતરના કિનારે આવેલ DPમાં ભટકાયું હતું. પુરપાટ ઝડપે ભટકાતા DP પણ જમીનદોસ્ત થઇ ગઇ હતી. આ બનાવ બનતા જ ડમ્પર ચાલક પોતાનું સિમેન્ટ ડમ્પર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો.
વાલાવાવ ચોકડી પાસેના ખેતરમાં બનેલી આ ઘટનાને પગલે ચોકડી પાસે વેપાર-ધંધો કરતા તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા. જોકે, લોકો આવી પહોંચે તે પહેલાં ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. બીજી બાજુ અકસ્માતમાં લીલાબેનનું મોત નીપજ્યું હોવાના સમાચાર ગામમાં તેમના પરિવારજનોને મળતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. તે સાથે બનાવની જાણ ડેસર પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી.
ડેસર પોલીસે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. બીજી બાજુ પોલીસે વૃદ્ધાના પરિવારજનોની ફરિયાદના આધારે ફરાર થઇ ગયેલા હાઈવા ચાલક રાજુસિંહ બબનસિંહ (રહે. બિહાર) સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તેને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.