- કોઈ રિસ્પોન્સ નહિ મળતા અંતે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા
વડોદરા શહેરના કારેલીબાગ સ્વિમિંગ પૂલ ખાતે એક સ્વિમર અહીં શાવર લેતી વખતે અચાનક ઢળી પડ્યા બાદ તેનું મોત નિપજ્યું હતું.
શહેરના કારેલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પૂલ આવેલું છે. અહીં દરરોજ અનેક સ્વીમરો સ્વિમિંગ કરવા આવતા હોય છે. એ પૈકી અહીંના લાઈફ ટાઈમ મેમ્બર જતીનકુમાર શાહ આજે સ્વિમિંગ કરવા આવ્યા હતા. જ્યાં શાવર લેતી વખતે અચાનક તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. અહીં હાજર અન્ય સ્વીમરો તથા એક તબીબી સ્વીમરે એમને સીપીઆર આપ્યું હતું. પરંતુ તેઓનો કોઈ રિસ્પોન્સ જણાયો ન હતો. અહીં હાજર સ્વિમિંગ પુલના કોચ અને અન્ય સ્વીમરોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ઢળી પડેલા જતીનકુમાર શાહને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હોવાનું હાજર તબીબે જણાવ્યું હતું.
બનાવને પગલે ટુરિસ્ટ ઓફિસર અંકુશ ગરુડ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને જાત માહિતી મેળવી તે અંગે વધુ વિગત ઉચ્ચ અધિકારીઓને પાઠવશે તેમ જાણવા મળ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કારેલીબાગના આનંદ નગર બસ સ્ટેડ પાસેની પુનિકા સોસાયટીમાં રહેતા જતીનકુમાર નગીનભાઈ શાહ કોર્પોરેશન સંચાલિત સ્વિમિંગ પુલના લાઈફ ટાઈમ મેમ્બર હતા. ૧૯૯૮માં તેઓએ લાલબાગ સ્વિમિંગ પૂલ ખાતે મેમ્બરશીપ લીધી હતી. જે બાદ વર્ષ ૨૦૧૮માં તેઓએ પોતાની મેમ્બરશીપ કારેલીબાગ સ્વિમિંગ પુલમાં ટ્રાન્સફર કરાવી હતી. બનાવની જાણ તેમના પુત્ર શ્રેણિક શાહને કરવામાં આવી છે. બનાવને પગલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.