અમદાવાદના ટ્રાવેલ એજન્ટ પાસે સેલ્ફ ડ્રાઇવના નામે કાર લીધા બાદ ફરાર થઈ ગયેલી ત્રિપુટીમાંથી પોલીસે વડોદરાના એક આરોપીને ઝડપી પાડ્યો છે.
અમદાવાદના ટ્રાવેલ એજન્ટ કાર ભાડે આપતા હોવાથી વડોદરાના આજવા રોડ એકતા નગર વિસ્તારમાં રહેતો ઈમ્તિયાઝ શેખ અને અન્ય બે મિત્રો ટ્રાવેલ એજન્ટ પાસે રૂપિયા 18000 ભાડું નક્કી કરી જેસલમેર જવા નીકળ્યા હતા.
આરોપીએ પોતાના દસ્તાવેજો આપ્યા હોવાથી તેના પર વિશ્વાસ મૂકી સેલ્ફ ડ્રાઇવ પર કાર ભાડે આપી હતી. પરંતુ ત્યારબાદ કારનું જીપીએસ બંધ થઈ ગયું હતું અને કાર પણ પરત કરી ન હતી. જેથી ટ્રાવેલ એજન્ટે ચાર મહિના પહેલા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ ઠગ ત્રિપુટી પૈકી નો એક આરોપી રમિઝ ઉર્ફે રાજા રફીક મિયા શેખ (હાથી ખાના, ગેંડા ફળિયા, વડોદરા) ગઈકાલે હાથી ખાના વિસ્તારમાં હોવાની વિગતો મળતા વડોદરા પોલીસની ટીમને વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો. આરોપીને અમદાવાદ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરાઈ છે.