- ચકલાસી ઉત્તરસંડા બ્રિજ પાસેથી વર્ષ 2022માં ખેડા પોલીસે ઝડપી પાડેલા વિદેશી દારૂના ગુનામાં આરોપી પોલીસ પકડથી બચવા નાસતો ફરતો હતો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ રોડ પર કારમાં વિદેશી દારૂના જથ્થાની હેરાફેરી કરવાના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસો પેટ્રોલીંગ હતા. આ દરમ્યાન બાતમી આધારે પ્રોહીબિશનના ગુનામાં વોન્ટેડ બુટલેગર વિકાસ ઉર્ફે ગદી મહેન્દ્ર સોલંકી (ઉ.વ.૨૯, રહે. ગદાપુરા, સ્લમ કવાટર્સ, ગોત્રી)ને તેના ઘર પાસેથી વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડાયેલા આરોપી વિકાસ ઉર્ફે ગદી સોલંકીની તપાસ કરતાં ખેડા જીલ્લાના ચકલાસી પોલીસ સ્ટેશન હદમાં વર્ષ ૨૦૨૨માં અમદાવાદ-વડોદરા એક્ષપ્રેસ રોડ પર ચકલાસી-ઉત્તરસંડા બ્રિજ પાસેથી કારમાં વિદેશી દારૂનો જથ્થો ખેડા પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે વિદેશી દારૂની 240 નંગ બોટલ સહિત રૂપિયા 3.50 લાખની મતા કબજે કરી હતી. પકડાયેલા વિદેશી દારૂનાં જથ્થાના ગુનામાં ઇસમ સંડોવાયેલાનું અને ગુનામાં પોલીસ ધરપકડ ટાળવા સારૂં નાસતો ફરતો રહેતો હોવાની હકીકત જણાઇ આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિકાસ ઉર્ફે ગદી મહેન્દ્ર સોલંકી સામે કાયદેસર કાર્યવાહી કરી ચકલાસી પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની વધુ તપાસ માટે સોંપેલ છે.
નોંધનીય છે કે, પકડાયેલા વિકાસ સોલંકી સામે દારૂને લગતા 22 ગુના નોંધાયેલા છે તેમજ પાસા અને તડીપાર જેવા પગલાં પણ લેવાયા છે.