ડભોઇ તાલુકાના નડા ગામે તળાવના ઊંડા પાણીમાં ગરક થઇ જતાં 8 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

પુત્ર ગુમાવનાર શ્રમજીવી પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો

MailVadodara.com - An-8-year-old-boy-drowned-in-the-deep-water-of-a-lake-in-Nada-village-of-Dabhoi-taluka

- બાળક કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે તળાવમાં નાહવા ગયો હતો!

- ફાયરબ્રિગેડની લાંબી શોધખોળ બાદ આજે વહેલી સવારે મૃતદેહ મળ્યો


વડોદરાના ડભોઇ તાલુકાના નડા ગામના તળાવમાં બાળકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. આ બાળક કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે ગામના તળાવમાં નાહવા ગયો હતો. જ્યાં ઉંડા પાણીમાં ગરક થઇ જતા ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. અહીં નોંધનીય છે કે, ઉનાળાની શરૂઆત સાથે નદી-તળાવોમાં ડૂબી જવાની ઉપરા-છાપરી ઘટનાઓ બની રહી છે.

મળેલી માહિતી પ્રમાણે, ડભોઇ તાલુકાના નડા ગામમાં મધ્યપ્રદેશના અલીરાજપુરનું શ્રમજીવી પરિવાર મજૂરી કામ કરે છે. મજૂરી કામ કરી રહેલા પરિવારનો 8 વર્ષનો રવિ કેરુભાઇ બાગડીયા રવિવારે સાંજે ગામના તળાવમાં નાહવા માટે ગયો હતો. અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે તળાવે પહોંચેલા રવિનો પગ ઉંડા પાણીમાં જતા તે ગરક થઇ ગયો હતો. ગત મોડી સાંજે બનાવની જાણ પરિવારજનોને થતાં રોકકળ કરી મૂકી હતી. તળાવમાં ડૂબી ગયેલા રવિને શોધવા માટે પરિવાર તથા સ્થાનિક લોકોએ શોધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ, તળાવમાં લાપતા રવિ મળી આવ્યો ન હતો. આ દરમિયાન બનાવની જાણ ફાયરબ્રિગેડને કરવામાં આવતા લાશ્કરો રબર બોટ સાથે આવી પહોંચ્યા હતા. જો કે, ઘનિષ્ઠ શોધખોળ બાદ પણ તળાવમાં લાપતા રવિ મળી આવ્યો ન હતો.


દરમિયાન આજે વહેલી સવારે પુન ફાયરબ્રિગેડ દ્વારા નડા ગામના તળાવમાં રવિની શોધખોળ હાથ ધરી હતી. લાશ્કરોની ઘનિષ્ઠ શોધખોળ બાદ રવિનો મૃતદેહ મળી આવ્યો હતો. ફાયરબ્રિગેડે તળાવમાંથી બાળકનો મૃતદેહ બહાર કાઢી ડભોઇ પોલીસને સોંપ્યો હતો. ડભોઇ પોલીસે મૃતદેહનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી. નડા ગામમાં મજૂરી કામ કરતા પરિવારનો 8 વર્ષનો રવિ ગુમાવનાર પરિવારના હૈયાફાટ રૂદને સન્નાટો પાથરી દીધો હતો. નડા ગામમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે ડભોઇ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


ઉલ્લેખનિય છે કે, કાળઝાળ ઉનાળાની શરૂઆત સાથે જ વડોદરા નજીક મહિ નદી ઉપરના સિંધરોટ ચેકડેમ, મહિ નદી ઉપરના ફાજલપુર, સાવલી મહિ નદી કિનારે આવેલા લાંછનપુર, નારેશ્વર, દીવેર જેવા સ્થળે સહેલાણીઓનો ધસારો વધી ગયો છે. ગરમીમાં રાહત મેળવવા માટે લોકો નદી કિનારે પિકનીક મનાવવાની સાથે નાહવા જઇ રહ્યા છે.

નદી કિનારે પિકનીક મનાવવા સાથે નાહવાના ઉત્સાહના અતિરેકમાં ડૂબી જવાની ઘટનાઓ અવાર-નવાર બનતી રહેતી હોય છે. ગત સપ્તાહ દરમિયાન સિંધરોટ ચેક ડેમ ખાતે આણંદ જિલ્લાના બે યુવાનોના મોત નીપજ્યા હતા. કાળઝાળ ગરમીમાં નદી તેમજ તળાવોમાં ડૂબી જવાની બની રહેલી ઘટનાઓ અંગે નદી અને તળાવોના કિનારે નિયંત્રણ હોવું જરૂરી છે.

Share :

Leave a Comments