વડોદરા શહેરના મારેઠા ગામમાં ગત મોડી રાત્રે 8 ફૂટનો અજગર ઘરમાં ઘૂસી ગયો હતો, જેને પગલે પરિવારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. જેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે વન વિભાગની સાથે રાખીને આ અજગરને રેસ્ક્યુ કર્યો હતો અને વડોદરા વન વિભાગને સોંપ્યો હતો.
ગઈકાલે મોડી રાત્રે 12 વાગે સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના હેલ્પલાઈન નંબર પર મારેઠા ગામમાંથી આશિષભાઈનો કોલ આવ્યો હતો કે, અમરા ઘરમાં એક અજગર આવી ગયો છે, જેથી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના સ્વયંસેવકો સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં લાકડાની નીચે એક 7થી 8 ફૂટનો અજગર જોવા મળ્યો હતો. જેથી સ્વયંસેવકો દ્વારા વડોદરા વન વિભાગના રેસ્ક્યુઅર શૈલેષભાઈને જાણ કરવા આવી હતી અને તેમને સાથે રાખીને દોઢ કલાકની મેહનત કરીને અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો અને અજગરને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો.
સેવ વાઈલ્ડલાઈફ ટ્રસ્ટના સંદીપસિંગે જણાવ્યું હતું કે, અજગર લાકડાની નીચે છુપાયેલો હતો, જેને ફોરેસ્ટ વિભાગની સાથે રાખીને અમે રેસ્ક્યુ કર્યો છે. આજ રીતે તમારા રહેણાક વિસ્તારમાં સાપ, મગર, અજગર અને દીપડા જેવા કોઈપણ વન્યજીવ દેખાય તો અમારી સંસ્થા સેવ વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટનો સંપર્ક કરી શકો છો.
વિશ્વામિત્રી નદી અને ગ્રીન બેલ્ટને કારણે સરીસૃપોને સારું વાતાવરણ મળે છે. અમદાવાદ અને સુરત કરતાં વડોદરાનું વાતાવરણ સરીસૃપોને અનુકૂળ આવી ગયું છે. અવરનેશને કારણે પહેલાં કરતાં હવે સાપના કોલ વધારે મળી રહ્યા છે. વડોદરામાં 20 ટકા જેટલા સાપ ઝેરી છે, જ્યારે 80 ટકા જેટલા સાપ બિનઝેરી જોવા મળે છે. સૌથી વધુ સાપ ચોમાસામાં નીકળે છે. પછી ઉનાળામાં જોવા મળે છે અને શિયાળામાં સાપ દરમાં જતા રહે છે. આખા ગુજરાતમાં સરીસૃપોની વસતિ વડોદરામાં જ વધારે છે. શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી અને જંગલને કારણે વન્ય જીવોને માનવવસતિની વચ્ચે જીવી રહ્યા છે.