- કાંસમાંથી નીકળેલી મગરને સોસાયટી તરફ જતાં જોતા જ રહીશોએ યુ-ટર્ન માર્યો
શહેરના કાસમઆલા કબ્રસ્તાન પાસેના બ્રિજ પરથી 11.5 ફૂટ લાંબા મહાકાય મગરને મોડી રાત્રે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. મગર નદી વિસ્તારમાંથી નીકળીને રહેણાંક વિસ્તાર તરફ જઇ રહ્યો હતો. જો કે, મગરે સ્થાનિકોને જોતા જ તેણે યુ-ટર્ન મારી બ્રિજના ફૂટપાથ પાસે અડિંગો જમાવ્યો હતો. આખરે દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરીને સહીસલામત રીતે વન વિભાગને સોંપી દેવામાં આવ્યો હતો. મગર પાંજરે પુરાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
રેસ્ક્યુ ટીમના હેમંતકુમાર વઢવાણાએ જણાવ્યું હતું કે, મોડી રાત્રે 11.5 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. કાસમઆલા કબ્રસ્તાન પાસે આવેલા બ્રિજ નજીકથી આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. આ મગર અંગેની જાણ પોલીસ, ફાયર બ્રિગેડ અને સ્થાનિકો દ્વારા અમને કરવામાં આવી હતી. ત્યાર બાદ હું અને મારી ટીમના સંદિપ ગુપ્તા, હર્ષદ સોની, મીત ચૌધરી તથા ફોરેસ્ટ વિભાગના નિતીન પટેલ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
વધુમાં જણાવ્યું કે, મગર કાંસમાથી નીકળીને સોસાયટી તરફ જઇ રહ્યો હતો, પરંતુ સોસાયટીના રહીશોને જોતા જ તેણે યુ-ટર્ન માર્યો હતો અને બ્રીજના ફૂટપાથ પર આવીને બેસી ગયો હતો. મોડી રાત્રે બે વાગ્યાના અરસામાં દોઢ કલાકની જહેમત બાદ મગરને રેસ્ક્યુ કર્યો હતો અને સહીસલામત વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.